” નાસ્તિ બુધ્ધિર્યુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના II
ન ચાભાવયત: શાન્તિરસાન્તસ્ય કુત: સુખમ II૨/૬૬II “
અર્થ –
” જેની ઇન્દ્રીયો સંયમિત નથી તેની બુધ્ધિ સ્થિર રહી શકતી નથી. અને એમ થવાથી એનામાં શાંતિ પ્રગટતી નથી, એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે ? અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? ”
ભગવાન વારંવાર ઇન્દ્રીયોને નિયંત્રિત કરવા પર જ ભાર મૂકી રહ્યા છે. ઇન્દ્રીયનું આપણે નિયમન ન કરી શકીએ , તેને વશ ન કરી શકીએ તો તેને લીધે મન-બુધ્ધિ બધું જ અસ્થિર રહે છે. તમે કોઇ એક જ ધ્યેય કે માર્ગ નક્કી ન કરો ત્યાં સુધી મન આમતેમ ભટક્યા કરે છે. આંખને સારું અને સાત્વિક જોવાનું કહો, કાનને જ્યાં સાત્વિક અને ભક્તિ કે પ્રભૂનું ભજન – ગાન થતું હોય તે જ સાંભળવા દો, જીભને સાત્વિક ભોજન કરવા-સ્વાદ ચાખવા જ સમજાવો. વાણી મધુર અને શાંત રાખો.કોઇનું દિલ દૂભાય તેવો શબ્દ પણ મોંઢેથી ન સરવો જોઇએ. જો આવા બધા નિયમો કે ધારાધોરણો તમે તમારી ઇન્દ્રીયો માટે સુનિશ્ર્ચિત કરી દો તો જ તમારી બુધ્ધિ સ્થિર થશે. જો બુધ્ધિ સ્થિર ન થાય, મન સતત ભટક્યા કરે તો પછી તમને શાંતિ ક્યાંથી મળવાની ? તમે શાંતિને સતત ખોજતા જ રહેશો. તમે જો શાંતિની અનુભૂતિ કરો તો જ તમે પોતે પણ શાંત બની જશો. ભગવાન આગળ કહે છે કે જેને શાંતિ મળતી નથી તે પોતે શાંત બની શકતો નથી અને તો પછી તેને સુખ કેવી રીતે મળે ? આ શ્ર્લોકની સમગ્ર બાબતને નીચે મુજબનાં પગથિયાંમાં ગોઠવી શકાય…
—- પ્રથમ ઇન્દ્રીયોને વશ કરવી,
—- ઇન્દ્રીયો વશ થાય તો મન ભટકતું બંધ થાય,
—- પછી બુધ્ધિ સ્થિર થાય,
—- બુધ્ધિ સ્થિર થાય એટલે શાંતિનો અનુભવ થાય,
—- શાંતિની અનુભૂતિથી વ્યક્તિ શાંત બને,
—- જો વ્યક્તિ શાંત બનશે તો સુખ પામી શકશે,
—- સુખ એટલે મોક્ષ -મુક્તિ-પ્રભૂની પ્રાપ્તિ.
ઇન્દ્રીયોને વશ કરવાનો ઉપાય છે પ્રભૂમય થવું. પ્રભૂમાં-શ્રીક્રીષ્ણમાં ચિત્ત પરોવવું. ભગવાનની કથા ગાવી-વાંચવી-સાંભળવી….તો જ બુધ્ધિની સ્થિરતા આવે… મનની શાંતિ અને સાચા સુખની પ્રાપ્તિ..અસ્તુ.
- અનંત પટેલ