” ય: તુ આત્મરતિ:એવ સ્યાત આત્મતૃપ્ત: ચ માનવ:II
આત્મનિ એવ ચ સંતુષ્ટ: તસ્ય કાર્યમ ન વિધતે II ૩/૧૭ II”
અર્થ –
” પરંતુ જે મનુષ્ય પોતાના આત્મામાં જ રમનારો છે, આત્મામાં જ તૃપ્ત છે અને આત્મામાં જ સંતુષ્ટ થયો છે તેને પોતાને માટે કાંઇ કર્મ હોતું નથી.”
જે વ્યક્તિનું ચિત્ત અથવા તો મન પોતાના આત્મામાં સ્થિર થયેલું છે , અથવા તો જે આત્માને ઓળખી જાય છે તેના માટે બીજું કશું કરવાનું હોતું નથી. આપણે જાણીએ છીએ કે આત્મા એ જ પરમાત્મા છે તેથી જે આત્મા તેનામાં રહેલા પરમાત્માને પારખી લે છે તેણે પછી બીજી કોઇ ક્રિયાઓ કે વિધિ કરવાની રહેતી નથી. હું જો એટલું સારી રીતે સમજી લઉં કે મારો આત્મા જ ભગવાન છે તો પછી મારે બીજે ક્યાંય ધ્યાન શું કામ આપવાનું હોય ??
— પોતાના આત્મામાં જ રમવું એટલે ભગવાન બીજે ક્યાંય નથી તે મારી અંદર જ છે તેવી મનોવૃત્તિ વિકસાવવી,
— આત્મામાં જ ભગવાન દેખાય તો સ્વાભાવિક રીતે જ એ એમાં તૃપ્ત જ રહે છે,
— તૃપ્ત અર્થાત સંતુષ્ટ થવું, મનમાં એક પ્રકારનો હાશકારો પ્રગટે કે હાશ મારા ભગવાન તો મારી સાથે જ છે પછી મારે બીજે શું કામ ફાંફાં મારવાં ??
— ભક્તિ, ભજન, યજ્ઞ, હોમ હવન જે કુદરતે નિયત કરેલ છે તે પણ તમારે કરવાનું રહેશે નહિ કેમ કે તે કરીને તમારે જે પ્રાપ્ત કરવાનું છે એ તો તમારી પાસે છે જ.
જગતમાં જન્મ લઇને આવ્યા પછી જેમ જેમ સમજણ આવે છે તેમ તેમ આપણે આપણાં પાલકો દ્વારા સૂચિત કરેલ કર્મો કરીએ છીએ. તેમાં જ્ઞાનનો ઉમેરાં થતાં તે અનુંસારનાં બીજાં કર્મો પણ આપણે ઉમેરતા જઇએ છીએ. અહીં ભગવાનના કહ્યા મુજબ આપણે જો આત્માને જ પરમાત્મા માનીને તેમાં સંતુષ્ટ થઇ જઇએ તો પછી બીજું ખુદના માટે ય કંઇ કરવાનું રહેતું નથી.
અસ્તુ.
- અનંત પટેલ