” સક્તા: કર્મણિ અવિદ્વાંસ: યથા કુર્વંતિ ભારત II
કુર્યાત વિદ્વાન તથા આસક્ત: ચિકિર્ષુ: લોકસંગ્રહમ II ૩/૨૫ II “
અર્થ –
” હે ભારત, કર્મમાં આસક્તિવાળા અજ્ઞાની જેમ કર્મ કરે છે,તેમ જ વિદ્વાનોએ કર્મમાં આસક્ત ન થતાં લોકોને કર્મમાં જોડવાની ઇચ્છાથી કર્મ કરવાં ”
અજ્ઞાની લોકો માયા,મમતા, મોહ, ઇર્ષ્યા, દ્વેષ અને લોભ વગેરે આસક્તિના ભાવો રાખીને કર્મ કરતા હોય છે તે રીતે વિદ્વાનોએ પણ કર્મ તો કરવાનાં જ છે પરંતુ તેમણે પેલા અજ્ઞાનીઓની જેમ આસક્તિના ભાવ રાખીને કર્મ કરવાનાં નથી પરંતુ અન્ય લોકોને કર્મમાં જોડવા માત્રના હેતુ થી કર્મ કરવાનું છે.જેનામાં જ્ઞાન કે સમજણ નથી તે તો જેવા તેવા ભાવ ઇચ્છાઓ અને અપેક્ષાઓ રાખીને કર્મ કરતા રહે છે, પરંતુ વિદ્વાન અને જ્ઞાની અથવા તો જેને પંડિત કહી શકાય તેવા મનુષ્યોએ તો બીજા આળસુ અને બેકાર બની ગયેલા લોકોને જગાડીને કર્મમાં જોડવાના છે.
જો તમે નેતા છો, ગુરુજન છો કે શિક્ષક છો તો તમારે લોકોને જાગ્રત કરવાના છે, તેમને તેમની ફરજો અને જવાબદારીઓનું ભાન કરાવવાનું છે. તમારે સંસારની આસક્તિવાળુ આચરણ કરવાનું નથી પણ અન્યને દાખલારૂપ બને તેવું શ્રેષ્ઠ આચરણ કરવાનું છે. જો જ્ઞાની જનો આવું કરશે તો જ જે લોકો કોઇની રાહ જોઇને બેસી રહ્યા છે તે જાગશે અને પોતાનું કર્તવ્ય બજાવવા ઉભા થઇ જશે. જ્ઞાનીઓનું કાર્ય જ બીજાને જગાદવાનું છે, કદાચ તેમનો જન્મ પણ એવા સુંદર હેતુ સબબ જ થયેલો હોય છે. આવા જ્ઞાનીજનો એટલે આપણે સદગુરુ એમ પણ સમજીએ તો એ ખોટું ગણાશે નહિ. અર્જુનજીને આ રીતે ભગવાન યુધ્ધમાં જોડવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
અનંત પટેલ