ગીતા દર્શન
” રાગદ્વેષવિયુક્તૈ: તુ વિષયાન ઇન્દ્રીયૈ: યસ્ન II
આત્મ્વશ્યૈ: વિધેત્માપ્રસાદમઅધિગચ્છતિII૨/૬૪II “
અર્થ –
” જ્યારે એથી ઉલટુવશ અંત:કરણવાળો મનુષ્ય રાગદ્વેષરહિત અને સ્વાધીન થયેલી ઇન્દ્રીયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં ચિત્તની પ્રસન્નતા પામે છે. ”
જે મનુષ્ય પોતાના અંત:કરણને વશ કરી શકે છે તે મનુષ્યને માટે કોઇ પ્રશ્નો રહેતા જ નથી. અંત:કરણ ક્યારે વશ થાય ? જ્યારે તે વ્યક્તિ કૃષ્ણમય બની જાય ત્યારે. જે વ્યક્તિ પ્રભૂમય બની જાય છે તેના મનમાં અન્ય વ્યક્તિ કે સમાજ પ્રત્યેના તમામ રાગ અને દ્વેષ સમાપ્ત થઇ જાય છે. તેની બધી ઇન્દ્રીયો તેને ખુદને સ્વાધીન થઇ જાય છે. ઇન્દ્રીય તમને સ્વાધીન થઇ જાય એટલે શું ? ઇન્દ્રીય સ્વાધીન થવી એટલે તે તમારી ઇચ્છા પ્રમાણે જ ચાલે. તમે પ્રભૂમાં રસ લો એટલે તમારી બધી ઇન્દ્રીયો પણ તે જ દિશામાં આગળ વધશે. તમે ઇશ્વરમય બન્યા હોવ એટલે તમારી બધી ઇન્દ્રીયો પણ ઇશ્વરમય જ બનેલી રહે છે. આ સમયે તમારી ઇન્દ્રીયો પ્રવૃત્તિઓ તો કરે જ છે પણ તેમ છતાં તમારે માટે કશું અસુવિધાજનક કે અયોગ્ય બનતું નથી. તમારું ચિત્ત અત્યંત પ્રસન્નતા અનુભવે છે. તમે ભક્તિ કરવાના સમયે કે ઉંમરે જો મનને ભટકતું જ રાખો તો એનો અર્થ એ થાય કે તમે તમારા અંત:કરણને વશ કરી શક્યા નથી. આપણે હવે તો એ જાણી ચૂક્યા છીએ કે જો મન અથવા તો અંત:કરણને વશ ન કરી શકીએ તો આસક્તિ, કામના અને અંતે ક્રોધ પ્રગટ થાય છે. કામનાઓ મનુષ્યને માટે ભવિષ્યમાં બોજ બને તેવાં પગલાં પણ ભરાવે છે. માટે ચાલો આજથી જ આપણે આપણા અંત:કરણને વશ કરીએ અને તે રીતે ચિત્તની શાંતિ તરફ પ્રયાણ કરીએ.
અસ્તુ.
- અનંત પટેલ