” આવૃત્તંમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા I
કામરુપેણ કૌંતેય દુષ્પૂરેણાનલેન ચ II ૩/૩૯ II “
અર્થ – હે અર્જુન ! કદી તૃપ્ત થાય નહિ એવો અને અગ્નિની જેમ સળગતો આ કામ નિત્યનો વેરી છે. તેનાથી જ્ઞાનીનું જ્ઞાન ઢંકાયેલું છે.
કામના એટલે કે ઇચ્છાઓ અથવા તો વાસના ભલભલા જ્ઞાની મનુષ્યોનું જ્ઞાન ઢાંકી દે છે. કામ એના લક્ષણ મુજબ કદી તૃપ્ત થતો નથી અથવા સાદી ભાષામાં કહીએ તો એ ક્યારે ય ધરાતો જ નથી. પ્રજોત્પત્તિ માટે જે સંબંધ સ્થાપવો પડે છે તેટલા પૂરતો તેને સ્વીકારી શકાય પરંતુ તે ફરજ પૂરી થઇ જાય તે પછી તેનો ત્યાગ કરી દેવો જ જ્ઞાની મનુષ્યો માટે યોગ્ય છે. નહિતર શરીરની કામનાઓ તો તેને તૃપ્ત કરવામાં આવે તેટલી જ તે વધતી જ જાય છે. કામ એ દરેક વ્યક્તિ માટે નિત્યના દુશ્મન સમાન છે. આપણે કોઇની સાથે કાયમી ધોરણે દુશ્મનાવટ રાખી શકતા નથી એટલે કાં તો એની સાથે સમાધાન કરતા હોઇએ છે કે કાં એને હરાવી દેતા હોઇએ છી કે પછી એનો સદાયને માટે ત્યાગ કરવાનું જ યોગ્ય ગણીએ છીએ. આ કામ પણ આપણો નિત્યનો વેરી છે તો પરંતુ તેની સાથે સમાધાન કરવું યોગ્ય નથી હા,કોઇક વિરલ પુરુષો તેને હરાવી શકે ખરા પણ કદાચ છેવટે તે પણ જોખમી પુરવાર થઇ શકે છે એટલે તેનો તો ત્યાગ કરવો એ જ ઇષ્ટ છે. આ કામને ભગવાને સળગતા અગ્નિ સમાન કહ્યો છે એટલે કે જેમ અગ્નિ તેના સંપર્કમાં આવનાર દરેકનો નાશ કરી નાખે છે તેમ આ કામ પણ જે વ્યક્તિ પર સવાર હોય છે તે વ્યક્તિના સંપર્કમાં આવતા અન્ય લોકોને પણ તે અવશ્ય દઝાડે જ છે અને ખુદ તે વ્યકતિનાં અગાઉનાં સત્કર્મોનો પણ નાશ કરે છે. વળી કામ ભોગવતી વખતે આપણને તે સુખદાયક લાગે છે પણ અંતે તો આપણાં તમામ સત્કર્મોનો તે નાશ જ કરે છે. ચાલો આવા જ્ઞાનીઓના જ્ઞાનને પણ હરી લેનારા કામને આપણે પણ આપણા જીવનમાંથી સદાય ને માટે ત્યજી દેવાનો સંકલ્પ લઇએ. અસ્તુ.
- અનંત પટેલ