ગીતાદર્શન                                    

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

” નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાય: હિ અકર્મણ: II
      શરીરયાત્રાપિ  ચ તે ન   પ્રસિધ્ધયેદકર્મણ: II ૩/૮ II “

અર્થ:-

” આથી તું શાસ્ત્રવિધિથી નિયત કરેલ સ્વધર્મરૂપી કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં  કર્મ કરવું શ્રેષ્ઠ છે, તેમ જ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિધ્ધ નહિ થાય. ”

જે લોકો આળસું થઇને ફર્યા કરે છે , કશો કામધંધો કરતા નથી તેવા લોકોને ભગવાને જાતે જ  સ્પષ્ટ  રીતે કહી દીધું છે કે જો તમે કર્મ નહિ જ કરો તો તમારે બે ટંક ખાવાના પણ સાંસા પડી શકે છે. અહીં કર્મનો મહિમા સમજાવાયેલ છે. વ્યક્તિ કર્મ કરે તેને જ શ્રેષ્ઠ માનવામાં  આવેલ છે. જો તમે બેસી રહેશો તો ભગવાન તમારા વતીથી કોઇ કામ કરવાના નથી કે તમારે માટે ભાવતાં ભોજન  બનાવીને મોકલવાના નથી. તમે કર્મ કરશો તો જ તમારો જીવનનિર્વાહ થઇ શકશે. કર્મ કરવું એ વ્યક્તિનો સ્વધર્મ છે.

મનુષ્યએ પોતાની જાતે પોત પોતાના ઘણા ધર્મ અને સંપ્રદાયો રચેલ છે પરંતુ તે બધા કરતાં શ્રેષ્ઠ ધર્મ તો પોતાનું કર્મ સદાય નિરંતર કરતા રહેવું તે છે. તે જ સાચો ધર્મ છે. બીજું કે તમે કોઇ કામ હાથ પર લેશો તો જ તમને તેના દ્વારા નવી દિશાઓ નવા વિચારો સૂઝશે અને તે રીતે પણ તમે તમારા જીવનમાં  નવીનતા લાવી શકશો નવા  રંગો અને ઉમંગો લાવી શકશો. જગતના કલ્યાણ માટેના કોઇ નવા ઉપાયો પણ તમને તમારી કર્મની પ્રક્રિયા દરમિયાન જ મળી શકશે.જો તમે કશું જ કર્મ કર્યા વિના બેસી રહો કે માત્ર ઘોર્યા જ કરો તો તમે તમારો સ્વધર્મ ચૂકી ગયા છો  તેમ ગણાશે. માટે ઉઠો અને સ્વધર્મમાં સદાય પ્રવૃત્ત રહો.

અસ્તું.

  • અનંત પટેલ      

anat e1526386679192

Share This Article