” યજ્ઞશિષ્ટશિન: સન્તો મુચ્યન્તે સર્વકિસ્બિષૈ: ।
ભુગ્જતે તે ત્વધં યે પચન્તાત્મકારતણાત: ॥ ૩/૧૩ ॥ “
અર્થ :-
” જેઓ યજ્ઞ કર્યા પછી બાકી રહેલું અન્ન ખાય ચે તેઓ પાંચ પ્રકારની હિંસાના પાપમાંથી મુક્ત થાય છે. પરંતુ જે પોતાને માટેજ રંધાવે છે તે પાપ ખાય છે. ”
યજ્ઞ અથવા તો કોઈપણ ધાર્મિક વિધિ બાદ ભગવાનને કે દેવોને ભોજન અર્પણ કર્યા બાદ જે ભક્તો બાકી રહેલ ભોજન આરોગે છે તે સંસારનાં પાપોથી મુક્ત થાય છે જ્યારે જે મનુષ્ય પોતાના માટે જ ભોજન રંધાવે છે તે ભોજન નહિ પરંતુ કેવળ પાપ જ જમે છે તેવો સીધો સાદો અર્થ દેખાય છે. પણ જો વધુ અભ્યાસ અને મંથન કરીએ તો આ શ્ર્લોકમાં ઘણી ગહન વાત કહેવાઇ છે. યજ્ઞશેષ ભોજન એટલે યજ્ઞ કરાવીએ ત્યારે જે ભોજન બનાવ્યુ હોય તે ભગવાનને અર્પણ કરીએ, હાજર રહેલ પંડિતો પુરોહિતો આમંત્રિતોને જમાડીએ ને તે પછી જે ભોજન બાકી રહે તેને જ જે યજમાન ગ્રહણ કરે છે તે પાપથી મુક્ત બને છે તેમ કહેવાયેલ જણાય છે.
હવે પ્રશ્ન એ થાય કે ભગવાન કે દેવ જાતે તો ભોજન કરતા નથી તો તેમને કેવી રીતે જમાડવા ? આ અંગે જણાવવાનું કે ઇશ્વર કે દેવ ભોજનના ભૂખ્યા હોતા નથી તે તો માત્ર તમારી ભાવનાના ભૂખ્યા છે. તમે ઘરે દરરોજ જે ભોજન બનાવો છો તે જમતા પહેલાં તમારા જે ઇષ્ટદેવ હોય તેમને ધરાવીને પછી જ તે થાળ તમે ગ્રહણ કરશો તો તમને એ ખૂબ જ સ્વાદિષ્ટ અને જાણે પ્રભૂનો પ્રસાદ જમતા હો તેવું લાગશે. અરે દરરોજ થાળ તૈયાર કરીને ભગવાનને ધરાવવાની નિયમિત ક્રિયાથી કંટાળો આવતો ( જો કે કંટાળો ન આવવો જોઈએ ) હોય તો તમે જ્યાં પણ અને જ્યારે પણ જમવા બેસો ત્યારે તમારા આગળ પીરસેલા ભોજનને બે હાથ જોડી ઇષ્ટદેવનું સ્મરણ કરી તેમને જમવાનું આમંત્રણ આપશો તો ય મારા ભગવાન તો એ ભોજન જાણે તેમણે જમી લીધું છે તેમ માની લેશે અને તમારા પર અચૂક તેમની ક્રુપાદષ્ટિ વરસાવશે.
આમ આ શ્ર્લોકમાં યજ્ઞનું રૂપક યોજીને ભગવાને ભોજન જમતા પહેલાં પોતાના ઇષ્ટદેવ કે દેવોને ધરાવવાની ભાવના રાખવા – કેળવવા સૂચવેલ છે. વળી આપણે દરરોજ ભોજન કરીએ જ છીએ પરંતુ સાથે સાથે યજ્ઞો વગેરે જેવાં ધાર્મિક કાર્યક્રમો યોજીને અન્યને માટે પણ ભોજન બનાવડાવી તેમને પણ પ્રેમથી જમાડીએ તો આપણને મોક્ષ મળી શકે છે તેવું પણ અહીયાં સ્પષ્ટ કરાયું છે.
અસ્તુ.
- અનંત પટેલ