“ન બુધ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસડ્ગિનામ ।
જોષયેન્સર્વકર્માપિ વિદ્વાન્યાકત: સમાચરન ॥ ૩/૨૬ ॥ “
અર્થ :-
” જ્ઞાની પુરુષે કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓના મનને ડગમગાવવું નહીં કે તેમને કર્મથી દૂર રહેવા ઉત્તેજન આપવું નહીં , પણ પોતે સારી રીતે કર્મો કરી તેમની પાસે સર્વ કર્મ ભક્તિભાવે કરાવવાં.”
– જે જ્ઞાની છે એટલે કે ઇશ્વરમાં આસક્ત થઈ ચૂક્યો છે તેવા મનુષ્યએ અન્ય લોકો કે જે ઇશ્વરમાં આસક્ત નથી પણ કર્મમાં આસક્ત છે તેમને તેમનાં કર્મ કરતા રોકવા નહિ કે તેમનું મન ડગમગે તેવી વાત કે ઉપદેશ તેમને ન આપવો પરંતુ તેમને તેમનાં કર્મ કરવા દેવાં. જ્ઞાની મનુષ્યે પોતાને માટે જે ધ્યેય નિશ્ચિત કર્યાં છે તે મેળવવા પ્રાપ્ત કરવા પોતાનાં કર્મ સારી રીતે બજાવવાનાં છે અને સાથે સાથે પેલા કર્માસક્ત લોકોના હ્રદયમાં કર્મની ભાવના સાથે ભક્તિનો ભાવ પણ પ્રગટાવવાનો છે કેમ કે જ્યાં કર્મની સાથે ભક્તિ ભળે છે ત્યાં સમગ્રપણે શાંતિ પ્રગટે છે. આવી શાંતિ મનુષ્યને એકાગ્રતા આપે છે વળી તે મનુષ્ય આવો ભક્તિભાવ પ્રગટવાથી કોઇ દુષ્કર્મ કરવા પ્રેરાતો જ નથી. તેના મનમાં ભગવદભાવ પ્રગટે છે. આખુ વિશ્વ પવિત્ર છે, બધા જ લોકો સાત્વિક છે બધાના હ્રદયમાં સદભાવના જ વસે છે તેવું આવા મનુષ્યો પેલા ભક્તિભાવને કારણે માનતા વિચારતા થઈ જાય છે. ઘડીભરને માટે ચાલોને આપણે સૌ આપણા મનમાં આવો ભગવદભાવ પ્રગટાવીએ. જો આવો ભક્તિભાવ સાચા અર્થમાં પ્રગટશે તો આપણું દરેક કર્મ આપણને કૃષ્ણની આસક્તિ તરફ દોરી જશે અને તે જ આપણા મોક્ષનું સાધન બની જશે એવું મને લાગે જ છે.
અસ્તું.