અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ I
વિનાશમવ્યસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમહર્તિ II ૨/૧૭ II
અર્થ:-
જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે, અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી.
આ શ્ર્લોકમાં બે બાબતો સ્પષ્ટ થયેલ છે. પ્રથમ તો અવિનાશી કોને કહેવાય ? તો ભગવાને કહ્યું છે કે જે બધે જ વ્યાપક છે, ફેલાયેલ છે અથવા તો જેનો કણ કણમાં કે બુંદ બુંદમાં નિવાસ છે તે તત્વને અવિનાશી જાણવું. હવે કણ કણ, બુંદ બુંદ કે વૃક્ષનાં પત્તે પત્તાંતો નાશ થવા પાત્ર છે તે છતાં જ્યાં સુધી તેનો નાશ ન થાય ત્યાં સુધી તેનામાં રહેલું એવું તત્વ કે જેને લીધે તે ભૂખ મટાડે છે, તરસ છીપાવે છે કે સુગંધથી વાતાવરણને પુલકિત કરે છે તે તત્વ સતત તેનામાં રહેલું હોય છે, આમ જે અવિનાશી તત્વ છે તે સર્વત્ર છવાયેલું છે તેને માટે સજીવ કે નિર્જીવ એવો કોઇ ભેદ રાખવાનો નથી. અવિનાશી તત્વ એક ગુણ સ્વરુપે દરેકમાં વસે છે. હા, એ જેમાં વસે છે તે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો તો સમય આવે નાશ થતો રહે છે પરંતુ પેલું સર્વત્ર ફેલાયેલુ અવિનાશી તત્વ તો નવાં નવાં પ્રગટે જતા તમામ અણુંઓમાં સમાયેલું જ રહે છે.
બીજી વાત એ કે જે અવિનાશી તત્વ છે એટલે કે સર્વત્ર ફેલાયેલ અને પ્રસરેલ અથવા તો અસ્તિત્વ ધરાવતું અવિનાશી તત્વ ક્યારેય નાશ પામતું નથી. હા, તેના નિવાસનાં સ્થળ-સ્થાન-પદાર્થ-દેહ બદલાતાં રહે છે.
હવે પ્રશ્ન થાય છે સર્વત્ર ફેલાયેલું અવિનાશી તત્વ એટલે કયુ તત્વ? અથવા તે અવિનાશી કોણ છે? તેનો જવાબ છે કે અવિનાશી તો ઇશ્વર પોતે જ છે. તે દરેક અણું અણુંમાં સમાયેલ છે, ભગવાને ગીતામાં જ આગળ જતાં જહ્યું છે કે તે ક્યા પદાર્થ કે જીવમાં ક્યા ક્યા સ્વરૂપે સમાવિષ્ઠ છે. આમ ઇશ્વર અવિનાશી છે અને સર્વ વ્યાપક છે. અસ્તુ.
અનંત પટેલ