ગીતા દર્શન
પ્રસાદે સર્વ દુખાનામ હાનિ: અસ્ય ઉપજાયતે II
પ્રસન્નચેતસ: હિ આશુ બુધ્ધિ: પર્યવતિષ્ઠતે II૨/૬૫II”
અર્થ –
” ચિત્તની પ્રસન્નતા થતાં તેનાં સર્વ દુ:ખોનો નાશ થાય છે. કારણ કે જેનું ચિત્ત પ્રસન્ન છે તેની બુધ્ધિ પણ તત્કાળ સ્થિર થાય છે. ”
જો મન પ્રસન્ન રહે તો સર્વ દુ:ખ નાશ પામે છે. પણ આનાથી ય આગળ વધીને વિચારીએ તો જણાશે કે જ્યારે તમારું મન ખુશ હોય છે, પ્રસન્ન હોય છે ત્યારે તમને કશા દુ:ખની અનુભૂતિ જ થશે નહિ. દુ:ખ કે સુખ એ ખરેખર શું છે ? એ એક પ્રકારની પરિસ્થિતિ છે. જે મનને ગમે છે તે સુખ અને જે મનને નથી ગમતું એ દુ:ખ.ભગવાન મન અથવા તો ચિત્તને સદાય પ્રસન્ન રાખવા કહે છે. એક કવિએ કહ્યું છે કે ચિત્તને હંમેશાં પ્રસન્ન જ રાખો. એ પ્રસન્નતા તમારા બધા ગમ અને દુ:ખો જરૂર ભૂલાવી દેશે. કેટલાક માણસો કાયમને માટે રડમસ ચહેરો લઇને જ ફરતા જોવા મળે છે. અલ્યા શું કામ ? તો કહે કે યાર કશું ધાર્યા મુજબનું થતું જ નથી. પણ સાહેબ એ ક્યાંથી થાય ? તમારે દરેક કર્મ ઇશ્વર પ્રત્યેની અગાઢ શ્રધ્ધા સાથે જ શરુ કરવાનું હોય છે. ચહેરો હસતો રાખીને જ કામ શરૂ કરો તો જરૂર સફળતા મળશે જ. રોતા મોઢે કામ શરુ કરો તો એનું પરિણામ પણ એવું જ આવે છે. સદાય ખુશ ખુશ રહેવાથી તમારા ઘરમા અને જ્યાં જ્યાં તમે જશો ત્યાં પણ તમારી હાજરીથી એ લોકોને કંઇક સુખ મળશે, આનંદ આવશે. એ લોકો તમને આવકારશે. એ તમારી વાટ જોતા થઇ જશે. એ કદાચ સામેથી તમને મળવા પણ આવે. આવા ખુશહાલ મનુષ્યની બુધ્ધિ પણ સદાયને માટે સ્થિર જ રહે છે. અહીં બુધ્ધિ સ્થિર રહે એનો અર્થ એવો કે એ ભગવાનમાં સ્થિર રહે છે. એને સદાય ભગવાનનું જ ધ્યાન રહે છે. અસ્તુ.
- અનંત પટેલ