ગીતા દર્શન
” પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન
આત્મનિએવ આત્મનાતુષ્ટ: સ્થિત પ્રજ્ઞ: તદા ઉચ્ચતેII ૨/૫૫ II
દુ:ખેષુ અનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:I
વીતરાગભયક્રોધ: સ્થિતધી: મુનિ: ઉચ્ચતે II ૨/૫૬ II
ય: સર્વત્ર અનભિસ્નેહ: તત પ્રાપ્યશુભાશુભમ I
ન અભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠા II ૨/૫૭ II
અર્થ :-
હે પાર્થ ! જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓ ત્યજી દે છે. આત્મા વડે આત્મામાંજ સંતુષ્ઠ થાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખમાં જેનું મન ખેદ પામતું નથી, સુખમાં પણ જે નિસ્પૃહી રહે છે જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે તેવો મુનિ સ્થિર બુધ્ધિ કહેવાય છે. જે સર્વત્ર સ્નેહ વગરનો છે અને જેને સારું નરસું પ્રાપ્ત થતાં આનંદ કે શોક થતો નથી, તેને સ્થિર બુધ્ધિ જાણવો (૨/૫૫-૫૬-૫૭ )
આ ત્રણે શ્ર્લોકમાં ભગવાને સ્થિર બુધ્ધિવાળો કોણ કહેવાય અને સ્થિતપ્રજ્ઞ કોને કહેવો તે સમજાવ્યું છે. મનુષ્ય પોતાની કામનાઓ ઇચ્છાઓ ને ત્યજી દે છે અને પોતે પોતાના આત્મામાં જ પ્રવૃત્ત થઇ જાય છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ થયેલો છે તેમ કહી શકાય. આત્મા આત્મામાં જ પ્રવૃત્ત થાય એટલે સ્વાભિક રીતે જ એને માટે બીજી કોઇ વિશિષ્ઠ સ્થિતિનું અસ્તિત્વ જ રહેતું નથી. તે દરેક સ્થિતિમાં સ્થિર રહેતો થઇ જાય છે. એને દુ:ખનો કોઇ આઘાત પહોંચતો નથી તેમ સુખની કોઇ ઘટના બને તો પણ તે ખાસ કંઇ મોજમાં આવી જતો નથી. સ્થિર બુધ્ધિ અથવા તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિને ઇશ્વર સિવાય કોઇની સાથે પ્રેમ , સ્નેહ કે લગાવ હોતો જ નથી…મનુષ્યનાં સ્વભાવગત જે કુલક્ષણો છે તે રાગ,દ્વેષ ,ઇર્ષ્યા, ક્રોધ વગેરે તેનામાંથી નષ્ટ થઇ જાય છે. દુ:ખ આવે છે તો તેના માટે તે શોક નથી કરતો. હર્ષનો બનાવ બને છે ત્યારે તે નથી ગેલમાં આવી જતો કે નથી વધારે ઉન્માદમાં આવતો .આવું કહી ભગવાન અર્જુનજીને યુધ્ધના સંભવિત પરિણામ સબંધમાં જે શોક ઉત્પન્ન થયો છે તે શોક ન કરવા સમજાવે છે.માણસે તેના જીવનમાં કુદરતપ્રેરિત બનતી ક્રમિક ઘટનાઓને સહજ રીતે સ્વીકારી લેવી જોઇએ તેવો અહીંયાં સંદેશ અપાયેલ છે.
જે વ્યક્તિ મોહરહિત થઇને સારા કે ખરાબને પ્રાપ્ત થવા સંદર્ભમાં ન તો ખુશી વ્યક્ત કરે છે કે ન દુ:ખ વ્યક્ત કરે છે તેની બુધ્ધિ સ્થિર છે. જે સારું છે તે ઇશ્વર સાથે જોડે છે જ્યારે જે ખરાબ અથવા અશુભ છે તે પ્રકૃત્તિ અર્થાત માયા તરફ લઇ જાય છે. સ્થિતપ્રજ્ઞ પુરુષ અનુકૂળ પરિસ્થિતિથી ન તો પ્રસન્ન થાય છે અને પ્રતિકૂળ પરિસ્થિતિથી ન તો વ્યાકુળતા અનુભવે છે.
અસ્તુ.
અનંત પટેલ