ગીતા દર્શન
” યદા તે મોહ કલિલં બુધ્ધિર્વ્યતિત રિષ્યતિ I
તદા ગન્તાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ II ૨/૫૨ II “
અર્થ –
” જ્યારે તારી બુધ્ધિ મોહરૂપી કીચડ (અંધકાર) ને તરી જશે ત્યારે તને પણ સાંભળવા યોગ્ય અને નહિ સાંભળેલ બંનેનો વૈરાગ્ય થશે ”
ભગવાન કહે છે કે જ્યારે બુધ્ધિ પરથી મોહનું પડળ હટી જાય છે ત્યારે જ તેને વૈરાગ્ય સૂઝે છે. મોહને કીચડ કહ્યો છે, કીચડ એટલે એક પ્રકારની ગંદકી. મોહમાં પહેલાં સારું લાગે છે, એની શરુઆત ભીની માટી જેવી છે. શરુઆતમાં એ ખૂબ સરસ લાગે. મનને અને તનને ગમી જાય છે. પણ ભીની માટીમાં જેમ જેમ પાણી વધારે પ્રમાણમાં ભળે છે , લોકોની ત્યાંથી ચહલ પહલ વધી જાય છે ત્યારે એ કાદવ અને કીચડ બને જાય છે. અને કીચડમાં મોટે ભાગે શું થાય છે ? લપસી પડવાનું બની છે. એકવાર લપસો એટલે ગયા કામથી. શરીરમાં ભાગ તૂટ થાય, અસહ્ય પીડા થાય, બીજાં બધાં કામ અટકી જાય એ જૂદુ. આમ મોહ એ કીચડ સમાન છે. કીચડ જેમ લપસાવે છે તેમ મોહ પણ લપસાવે છે. એટલે જ આ કાદવ રૂપી મોહથી બુધ્ધિને દૂર રાખવાની છે. મોહનું બીજું નામ અંધકાર છે. અંધકાર એટલે કાળાશ. કાળાં કર્મનું ઉત્પત્તિ સ્થાન. બુધ્ધિ એવી છે કે એના ઉપયોગથી તમે સારા નરસાનો ભેદ પારખી શકો છો. બુધ્ધિ જ તમને નીતિ અને અનીતિની સમજણ આપે છે. જો આ બુધ્ધિ પર તમે કોઇપણ જાતના મોહનો છાંયડો પડવા નહિ દો તો તમને આ લોકમાં અને પરલોકમાં વૈરાગ્ય સહજતાથી પ્રાપ્ત થશે. મોહ જાય એટલે તમે સંસારની જે વાતો સાંભળી છે કે હજુ સાંભળવાની બાકી છે તે તરફ તમારું ધ્યાન જ જતું નથી. તમારામાં સંસાર પ્રત્યે , માયાનાં તત્વો પ્રત્યે વૈરાગ્યનો ભાવ અચૂક પ્રગટે છે માટે મોહને બુધ્ધિથી દૂર રાખવો એ જ ઇષ્ટ છે.
- અનંત પટેલ