ગીતા દર્શન ૩૨

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

   ગીતા દર્શન

  ” કર્મજં બુધ્ધિયુક્તા હિ ફલં ત્યકત્વા મનીષિણ II
 જન્મબન્ધવિનિર્મુક્તા: પદં ગચ્ચંત્યનામયમ II ૨/૫૧ II “

અર્થ –

” ભક્તિમાં પરોવાયેલા જ્ઞાની ભક્તો કૃષ્ણને શરણે જઇ કર્મથી ઉત્પન્ન થતાં ફળ ત્યાગીને જન્મ મરણની ઘટમાળના બંધનમાંથી મુક્ત થાય છે અને દુ:ખ વિનાના પદને પામે છે. ”

અહીં ભગવાને કર્મના ફળના ત્યાગની વાત કરી છે. અગાઉ આપણે એ જાણ્યું છે કે વ્યક્તિએ ફળની આશા રાખ્યા વિના જ કર્મ કરવાનું છે. (૨/૪૭) . જે ભક્તો ભક્તિમાં લીન થઇ ગયા  છે, ભક્તિ માર્ગને જેમણે જીવન માર્ગ તરીકે સ્વીકારી લીધો છે તેવા ભક્તો ભગવાનની શરણમાં જ જતા રહે છે. તમે જ્યારે કોઇ મહારથીની શરણમાં હોવ ત્યારે તમારે કશી ચિંતા કરવાની રહેતી નથી. સમર્થ વ્યક્તિનું શરણું તમારે માટે બધું જ ઉપલબ્ધ કરાવે છે. ભગવાનના  શરણે ગયા પછી તમારાં કર્મનાં ફળનો ત્યાગ સ્વયં થઇ જાય છે.કર્મનાં ફળનો ત્યાગ કરેલો હોય અને આપણે ભગવાનની  શરણમાં ગયા હોઇએ એટલે પછી આત્માએ ફરીથી પૃથ્વી પર આવવાની ઘટનાની પણ પૂર્ણાહુતિ થઇ જાય છે. ભગવાનનું શરણું મળી જાય, ભગવાન આપણને તેની બાથમાં સમાવી લે પછી આપણા જન્મ મરણના ફેરા સદા સદાને માટે સમાપ્ત થઇ જાય છે. મોક્ષ મળી  જાય એટલે પછી આત્માને કોઇપણ પ્રકારનું દુ:ખ રહેતું નથી. ભક્તિ માર્ગે રંગાઇ જવાથી મનુષ્ય જ્યાં સુધી મ્રુત્યુ ન પામે ત્યાં સુધી પણ તે ઇશ્વરને શરણે ગયેલો હોવાથી કોઇ મોટા દુ:ખની છાયા પણ તેના ઉપર પડતી નથી. તેની બુધ્ધિ સમબુધ્ધિ  બનેલી હોય છે, કર્મના ફળનો ત્યાગ કરી દેવાના કારણે તેના જન્મ મરણના ફેરા કાયમને માટે છૂટી જાય છે. અને તેના જીવનમાંથી દુ:ખની ઘડીઓ સદાને માટે દૂર ચાલી જાય છે.  અને છેવટે તે એક પરમ પદને પામી શકે છે. અસ્તુ.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article