ગીતા દર્શન
” બુધ્ધિયુક્ત: જહાતિ ઇહ ઉભેસુકૃત દુષ્કૃતે II
તસ્માત યોગાય યુજસ્વ યોગ: કર્મસુ કૌશલમII ૨/૫૦ II
અર્થ :-
” બુધ્ધિ – ભક્તિ વડે જ માણસ પાપ તથા પુણ્ય આ બંનેથી અલિપ્ત રહે છે. માટે તું ભક્તિ – યોગનો આશ્રય લે. પાપ પુણ્ય ન લાગે તેવી રીતે કર્મ કરવાં તેને જ યોગ અર્થાત કાર્ય કુશળતા જાણવી.”
જે બુધ્ધિશાળી છે, જે ભક્તિનો આશ્રય લે છે તે વ્યક્તિ પાપ અને પુણ્યથી અલિપ્ત રહે છે. એટલે કે અહીં પાપ અને પુણ્યને અવગણીને કર્મ કરવાની વાત નથી પરંતુ એમ કહેવામાં આવ્યું છે કે પાપ અને પુણ્ય બંનેથી અલિપ્ત રહીને જે કર્મ કરે છે તે બુધ્ધિશાળી છે. અને પાપ કે પુણ્ય ન લાગે તેવી રીતે કર્મ કરવું તેને જ કર્મ કરવાની કાર્ય કુશળતા કહેવાય. આવી કાર્ય કુશળતા એટલે જ યોગ. કુશળ રીતે અર્થાત સફળતા પૂર્વક કાર્ય કરી બતાવવું એનું જ બીજું નામ યોગ. બુધ્ધિશાળી વ્યક્તિ જ સારાં અને નરસાં એમ બંને પ્રકારનાં કર્મોને પોતાનાથી અલિપ્ત કે અલગ રાખી શકે છે.
કોઇપણ કર્મ કરવાથી તેનું ફળ અવશ્ય મળે જ છે. સારા કર્મનું ફળ સારુ અને ખરાબ કર્મનું ફળ ખરાબ એ પણ આપણે જાણીએ જ છીએ એટલે કર્મ કરવાનું જ નથી એવું નથી, જીવ જ્યાં સુધી જીવે છે – દેહને ધારણ કરી રહ્યો હોય છે ત્યાં સુધી તે સતત કર્મમય રહે છે. પણ કર્મના ફળને ત્યજીને બુધ્ધિમાન પુરુષો કર્મ કરે છે જેથી કરીને તે પુન: જન્મ પામતા નથી , અને પુનર્જન્મ ન થાય એટલે મોક્ષ . મોક્ષ મળે તો સુખ જ સુખ. મોક્ષ ન મળે તો પુનર્જન્મ લેવો જ પડે એટલે ફરી પાછુ દુ:ખ ભોગવવાનું આવે. આવી સ્થિતિ નિવારવા બુધ્ધિમાનો ભક્તિ દ્વારા સારા કે નરસા કર્મના ફળથી પોતાને અલિપ્ત રાખીને જ કર્મ કરે છે જે તેમની કાર્યકુશળતા છે , તે જ બીજા અર્થમાં યોગ છે અને તેનાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
અસ્તું.
અનંત પટેલ