ગીતા દર્શન
“ દૂરેણ હ્યવરં કર્મ બુધ્ધિયોગાધ્ધ્વનંજય ??
બુધ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા: : ફલહેતવ: ?? ૨/૪૯ ?? “
અર્થ –
“ આ રીતે ફળની ઇચ્છારહિત અને સમત્વ બુધ્ધિથી કરાયેલાં કર્મ, ફળની આશા રાખીને કરેલા કર્મ કરતાં અતિ ઉત્તમ છે એટલે સમબુધ્ધિ રાખીને કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી. “
ક્યું કર્મ ઉત્તમ કહેવાયતે અહીંયાં સમજાવાયું છે. જે કર્મ તમે કંઇ પણ ફળની ઇચ્છા રાખ્યા વિના માત્ર સમત્વ ભાવથી કરો છો તે અતિ ઉત્તમ છે. દુનિયામાં આપણે સૌ દરરોજ કર્મ તો કરતાજ રહીએ છીએ . દરેક કર્મની પાછળ કોઇ આશય કે હેતુ અવશ્ય હોય જ છે. તમે નોકરી ધંધો કે જે ક6ઇ વ્યવસાય કરો છો તે તમારા અને તમારા કુટુંબના જીવનનિર્વાહ માટે કરો છો અને એ કર્મ તો તમારે કરવાના જ છે પણ એ દરેક કર્મ કરતી વખતે તેનું મને આવું જ કે આવા પ્રકારનું ફળ મળવું જ જોઇએ તેવી અપેક્ષા રાખવાની નથી. ભગવાન દરેકને તે જે પ્રમાણે કર્મ કરે છે તે અનુંસાર તેનો બદલો ફળ આપે જ છે. વ્યક્તિએકરેલું કોઇપણ કર્મ તેનું ફળ આપ્યા વગર રહેતું જ નથી. અમુક ફળ નિયમિત સમયાંતરે મળતાં હોય છે અમુક ફળ અનિયમિત રીતે મળે છે. કોઇ ફળ ધારણા કરતાં વહેલાં મળી જાય છે તો કોઇ ફળ અતિશય વિલંબથી મળે છે. જો કે ભગવાનેતો દરેક કર્મઅનાસક્ત ભાવે કરવાનું કહ્યું છે. કર્મમાં કશા પ્રકારની આસક્તિ રાખવાની નથી. અત્યારનો સમય એવો છે કે માણસને કશીક લાલચ આપો,અગાઉથીએમકહો કે તું આવું કરીશ તો જ તને અમુક ચોક્કસ પરિણામ જ આવશે તો જ યુવકો,વિધાર્થીઓ વગેરે તેવાં કર્મ કરવા તૈયાર થતા હોય છે. અહીંયાં કહેવાનું એવું નથી કે તમારે ફળની આશા રાખીને કોઇ કામ જ ન કરવું. ફળની આશા રાખ્યા વિના કરાતું કર્મ ફળની આશા રાખીને કરાતા કર્મ કરતાં ઉત્તમ છે અને તે તમને કોઇપણ પ્રકારના બંધનમાં પણ નાખતું નથી.
અસ્તુ.
અનંત પટેલ