” માત્રાસ્પર્શાસ્તુ કૌંન્તેય શીતોષ્ણસુખ્દુ:ખદા: I
આગમાપાયિનોઅનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત II ૨/૧૪ II ”
અર્થ :-
હે કૌન્તેય, ટાઢ – તાપ કે સુખ દુ:ખનો અનુભવ કરવાવાળા ઇન્દ્રીયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે. તે કાયમ માટે રહેતા નથી એથી હે ભારત એને સહન કરતાં શીખ.
અગાઉના શ્ર્લોકમાં આપણે જોયું કે ક્રમિક ઘટનાઓના ઘટવાથી બુધ્ધિશાળી લોકો કશો શોક કે હર્ષ અનુભવતા નથી તેમ ઠંડી – ગરમી કે સુખ દુ:ખ આ બધી બાબતો ઇન્દ્રીયાતીત છે અને તે ચલાયમાન છે, અનિત્ય છે. અનિત્ય એટલે કે જે નિત્ય નથી (કાયમી ) તે. જેમ સવારનો તડકો , બપોરનો તડકો અને સાંજની સંધ્યા કાયમી નથી પણ સમયાધીન છે તેથી તે ચોક્કસ સમય પૂર્ણ થતાં હટી જાય છે તેથી તેના આવવાથી જ્યારે દુ:ખની અનુભૂતિ થતી હોય દા.ત. અતિશય ઠંડી પડે, ભયંકર ગરમી પડે, અનરાધાર વર્ષા, વંટોળ, ઝંઝાવાત ઉપસ્થિત થાય તો તેને સહન કરવાનું ભગવાન શીખવે છે. તેનાથી ડરી જવું નહિ કેમ કે એ બધી સ્થિતિ કાયમી નથી. જે દુ:ખ ઉપાધિ કે સ્થિતિ કાયમી નથી તેનું કોઇ ટેન્શન રાખવું જોઇએ નહિ. ધંધામાં ખોટ આવી, કોઇ બિમારી થઇ તો તેનાથી ડરી જવું નહિ પણ તેમાંથી બહાર આવવાનું જ છે તેમ માનીને તેને સ્વીકારીને તેને સહન કરી લેવા ભગવાને જણાવ્યું છે. અર્જુનને યુધ્ધના સંભવિત પરિણામનો જે શોક જન્મ્યો છે તે પણ આવી જ એક સ્થિતિ છે જેને સ્વીકારવાની છે, સહન કરવાની છે કેમ કે અમુક ચોક્કસ સમય પછી તે બદલાઇ જવાની જ છે. આમ અહીંયાં ત્રણ બાબતો મુખ્ય છે:–
— ઇન્દ્રીયાધીન સુખ કે દુ:ખ સંદર્ભમાં સુખથી મોહ ન કરવો કે દુ:ખનો રોષ- શોક ન કરવો,
— આ સ્થિતિ ચલાયમાન છે તે જતી રહેવાની છે અર્થાત બદલાઇ જવાની છે,
— એટલે તેને સ્વીકારીને સહન કરતાં શીખવું.
અસ્તુ.
-અનંત પટેલ