ગીતા દર્શન
“ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન II
મા કર્મફલહેતુર્ભૂર્મો તે સંગોડ્સ્ત્વકર્મણિ II ૨-૪૭ II
અર્થ : –
“ તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, એનું ફળ કેવું મળે તેના પર તારો અધિકાર નથી એટલે ફળની અપેક્ષાએ કોઇ કર્મ ન કરવું. જો તું ફળ મેળવવાની અપેક્ષાથી કર્મ કરીશ તો કર્મમાં તારી આસક્તિ થશે. “
ભગવાન અર્જુનનામાધ્યમથી આપણને સૌને બોધ આપે છે કે માત્ર કર્મ ઉપર તમારો અધિકાર છે. ભગવાને અર્જુનને અનાસ્ક્ત થઇને કર્મ એટલે કે યુધ્ધ કરવા આદેશ આપેલ છે. જીવનમાં જે કંઇ કર્મ આપણે ભાગે કરવાનું આવે તે આપણે કરતા જ રહેવાનું છે. હું આમ કરીશ તો જ આવું ફળ મળશે અથવા તો મારે અમુક પ્રકારનું ફળ મેળવવા ક્યું કર્મ કરવું જોઇએ કે કઇ રીતથી કર્મ કરવું તે વિચારવાનું નથી. તારે તારી શુધ્ધ બુધ્ધિથી શુભ ભાવનાથી તારું કર્મ કરવાનું છે. તારા કર્મનું ક્યું અને કેવું ફળ આપવાનું છે તે અન્ય કોઇ શક્તિ- ઇશ્વર- નક્કી કરનાર છે. જો મનુષ્ય દરેક કર્મ કરતા પહેલાં તેના ફળ વિશેની વિચારણા કરવા લાગી જાય તો તેની અસર પેલા કર્મ ઉપર પણ અચૂક પડતી જ હોય છે. જો એ એવી ધારણા કરી લે કે આમાં તો આવું જ ફળ મળવાનું છે તો શક્ય છે તેણે જે જોશથી તે કર્મ કરવું જોઇએ તેટલા જોશથી તે ન પણ કરે ! અને આડકતરી રીતે તેની અસર તેને મળનારા પરિણામ અથવા તો ફળ ઉપર પડવાની જ છે. વધુમાં ભગવાન એવું પણ કહે છે કે જો તું કર્મ અંગેની નિશ્ર્ચિત અપેક્ષા રાખીને કર્મ કરવા જશે તો તારી કર્મમાં આસક્તિ થશે. અને આસક્તિ થવાથી તે કર્મ દૂષિત થઇ જાય છે. દૂષિત કર્મનાં પરિણામ સારાં ન જ મળે તે તો આપણે પણ સારી રીતે સમજીએ છીએ. તો ચાલો આપણે ફળની અપેક્ષા રાખ્યા વિના આપણાં કર્મ નિષ્ઠા અને શ્રધ્ધાપૂર્વક બજાવતા જ રહીએ. બીજુ એ કે શુભ કર્મ કરનારની ક્યારે ય દુર્ગતિ થતી જ નથી. અસ્તુ.
- અનંત પટેલ