ગીતા દર્શન
‘‘ ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન ??
નિર્દ્વંદ્વો નિત્યસત્યસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન ?? ૨/૪૫ ??
અર્થ-
‘‘ વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે. હે અર્જુન તારે એ ત્રણે ગુણોથી પર ગુણાતીત થઇ બધાજ દ્વ્રંદ્વ્રોમાંથી મુક્તિ મેળવવાની છે એથી તું લડવાથી થતા લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મનિર્ભર થા.”
વેદમાં વર્ણવેલા ત્રણ ગુણ તે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ભગવાન અર્જુનજીને આ ત્રણે ગુણો છોડી દેવા કહે છે અને ગુણાતીત એટલે કે ગુણોથી પર થવા કહે છે. સત્વગુણ એટલે તેના નામ પ્રમાણે સાત્વિકતા થી ભરેલો ગુણ. બધુ સારુ જ કરવું, સારુ જ ઇચ્છવું, સોનું કલ્યાણ ઇચ્છવું. ફળની કોઇ ઇચ્છા રાખ્યા વિના ભક્તિપૂર્વક કર્મ કરવું. રજોગુણ એટલે ધન, સંપત્તિ , માનસિક, શારીરિક સુખ મેળવવા સદા તત્પર રહેવું, વેર-ઝેર-ક્રોધ, માયા, મોહ, પ્રપંચ,છલ-કપટ આ બધુ રજોગુણ માં આવી જાય છે. તમોગુણ એટલે તમસ માત્ર અંધકાર નો પ્રભાવ, બધુ મેલુ-મેલુ જ શોધવું, મેલી વિદ્યા ના ઉપાસક થવું, જે ફળ મેળવવા તે પણ મેલાં જ હોય પછી ભલે તે મેળવનાર તેના ઉપાસકને તે ઉત્તમ ભાસતાં હોય પણ બધુ મેલુ-મેલુ વિચારવું-જોવું એટલે તમોગુણ. ભગવાન આ ત્રણે ગુણ ત્યાગવા કહે છે. કેમ કે આ ગુણમાં મહ્દ અંશે સુખ અને દુખ, વેર-ઝેર, ઇર્ષા, કામ-ક્રોધ-લોભ વગેરે પેટા ગુણો છૂપાયેલા હોય છે. થોડે ઘણે અંશે સત્વ ગુણને બાદ કરતાં બધા ગુણ સ્વર્ગ-નરકની કરાવનારા છે. તેને લીધે જીવનમાં જૂદા- જૂદા પ્રશ્નો ઉભા થાય છે. દ્રંન્ધ એટલે બીજું કશું નહિ માત્ર સુખ અને દુખ. પ્રભૂ આ બન્ને ભાવ ત્યજી આત્મામાં સ્થિત થવા અને એ રીતે સ્થિતપ્રજ્ઞ થવા તરફ દોરી જાય છે.
અસ્તુ.
- અનંત પટેલ