ગીતા દર્શન
” ભયાત રણાત ઉપરતમ મંસ્યન્તે ત્વામ મહારથા: II
યેષામ ય ત્વમ બહુમત: ભૂત્વા યાસ્યસિ લાઘવમ II ૨/૩૫ II
” અવાચ્યવાદાન ચ બહૂન વદિષ્યન્તિતવ અહિતા: II|
નિન્દન્ત: તવ સામર્થ્યમ્ તત: દુ:ખતરમ નુ કિમ II ૨/૩૬ II
અર્થ:-
” જે મહારથીઓમાં તું ઘણું માન પામ્યો છે, તેઓ તને ભયને લીધે યુધ્ધભૂમિમાંથી નાશી ગયેલ માનશે અને તેઓ તને કાયર ગણશે. તારા શત્રુઓ તારા સામર્થ્યની નિંદા કરતાં ન બોલવાનાં ઘણાં વચનો બોલશે, જેનાથી તને વધુ દુ:ખ બીજુ ક્યું હોઇ શકે ? ”
ક્ષત્રિય અથવા સમાજનો રક્ષક કે યોધ્ધો જો ધર્મયુધ્ધ કરવામાંથી પીછે હઠ કરે , પારોઠનાં પગલાં ભરે તો સમાજના જે લોકો અત્યાર સુધી તેને મહાન યોધ્ધો કે સિપાહી ગણતા હતા, જે માન અને સંમાનની નજરે જોતા હતા તે બધાની આંખમાંથી તે ઉતરી જ જાય છે. તે બધાજ આ યોધ્ધાને કાયર ગણે છે કેમ કે જે શૂરવીર છે, સામર્થ્યવાન છે તે તો આવી પડેલા ધર્મયુધ્ધથી ગભરાતો નથી…. તેણે તો તેને પોતાનું અહોભાગ્ય સમજીને યુધ્ધને ટંકાર કરીને વધાવી લેવાનું જ હોય છે. ભગવાન વધુમાં એવું પણ અર્જુનજીને જણાવે છે કે જો તે આ યુધ્ધનો ત્યાગ કરશે, રણભૂમિમાંથી પરત ફરશે તો તેના જે કોઇ દુશ્મનો છે તે તેની સમર્થતાની હાંસી ઉડાવશે, મશ્કરી કરશે અને ન સાંભળી શકાય તેવી નિંદા કૂથલી સતત કર્યા જ કરશે. સમર્થ યોધ્ધાને પોતાની વિરુધ્ધની આવી નિંદા કે અયોગ્ય વચનો સાંભળવાનાં આવે તે અત્યંત દુ:ખદાયક બની જાય છે. આનાથી મોટું બીજુ કોઇ દુ:ખ જીવનમાં હોતું જ નથી. આવી સ્થિતિ ઉભી કરવા કરતાં આવેલા ધર્મયુધ્ધને લલકારીને તેમાં લડતાં લડતાં ખપી જવાય તો તે ઉત્તમ ગણાશે તેવું ભગવાનના કથનનું તત્પર્ય છે.
અસ્તું.
અનંત પટેલ