ગીતા દર્શન
” અથ ચેત ત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યતિ II
તત: સ્વધર્મમ્કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સસિ II ૨/૩૩II
” અકીર્તિમ્ચ અપિ ભૂતાનિ કથયિષ્યન્તિ તે અવ્યયામ્ II
સંભાવિતસ્ય ચ અકીર્તિ: મરણાત અતિરિસ્યતે II ૨/૩૪ II”
અર્થ :
” તેમ છતાં જો તું આ ધર્મયુક્ત યુધ્ધ નહિ કરે તો સ્વધર્મ અને કીર્તિને ત્યજી પાપને પામીશ. બધાં તારી અપકીર્તિ ગાશે, અને માન પામેલ મનુષ્યને મરણ કરતાં અપકીર્તિ અધિક દુ:ખદ થઇ પડે છે. ”
આગળના શ્ર્લોકમાં ભગવાન અર્જુનને યોધ્ધા તરીકે આ ધર્મયુધ્ધ કરવા મળ્યુ છે તેને અહોભાગ્ય સમાન ગણાવ્યા બાદ અત્રે જણાવે છે કે જો તે આ ધર્મયુધ્ધ નહિ કરે તો તેણે તેના સ્વધર્મનો ત્યાગ કરેલો ગણાશે, તેની ઠેર ઠેર ટીકા ટીપ્પણીઓ થશે જે તેને માટે અસહ્ય થઇ પડશે. વળી નવાઇની વાત એ પણ ચર્ચાઇ શકે કે આટલો બધો સમર્થ યોધ્ધો યુધ્ધથી કેમ ડરી ગયો હશે ? શું તે ડરપોક બની ગયો હશે ? શું તેનુ સામર્થ્ય નિષ્ફળ ગયું હશે ? તેની વિધા તે ભૂલી ગયો હશે ? શું તેનાથી કોઇ પાપ કર્મ તો નહિ થયું હોય જેને કારણે આ વિધા નિષ્ફળ નીવડી હોય ? આવી જાત જાતની શંકા કુશંકાઓ તેને માટે લોકો કરવા લાગશે અને આ સ્થિતિ તેને મટે અસહ્ય બની જશે. આવી અપકીર્તિ સાથે જીવન જીવવા કરતાં તો યુધ્ધના મેદાનમાં મરી ખપવું ઉત્તમ ગણાય. તમે જેના માટે પૂરેપૂરી પાત્રતા ધરાવો છો, સામર્થ્ય ધરાવો છો તેવું કાર્ય તમે કોઇ જ વાજબી કારણ વિના ત્યજી દો તો સ્વભાવિક રીતે જ લોકો તમને તેના માટે હજાર સવાલો પૂછી શકે છે. અને કોઇ સવાલ પૂછવા ન આવે પણ તમારા યુધ્ધ નહિ કરવાના નિર્ણય બાબતે જાત જાતના તર્ક વિતર્કો કર્યા કરે તે કેટલે અંશે વાજબી ગણાય ? એટલે ભગવાન આવી અપકીર્તિ વહોરવાને બદલે યુધ્ધ કરવા અર્જુનને આહવાન આપે છે. સમાજમાં એકવાર માનભેર જીવ્યા હોઇએ તો પાછળથી અપમાન જીરવી શકાતું જ નથી તે સ્પષ્ટ રીતે સૌએ સમજી લેવાની જરૂર છે.
અસ્તું.