ગીતા દર્શન
” દેહી નિત્યમવધ્યોઅયં દેહે સર્વસ્ય ભારત I
તસ્માતસર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમહર્સિ II ૨/૩૦II “
અર્થ :-
હે ભારત, આત્મા નિત્ય છે, અવિનાશી છે, એથી તારે કોઇના મૃત્યુ પર શોક કરવાની જરુરત નથી.
જેનું મૃત્યુ થાય છે તે શરીર છે, પશુ હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય તેનામાં રહેલો આત્મા તેને છોડી જાય એટલે તેનું મૃત્યુ થયું એમ કહેવાય છે. આત્મા એક ચેતના તત્વ છે જેને કારણે મનુષ્ય કે પ્રાણી જૂદી જૂદી ક્રિયાઓ કરી શકે છે. આ ચેતના તત્વ અવિનાશી છે તેનો ક્યારેય નાશ થતો નથી. આ તત્વ દેહમાંથી નીકળી જાય તો પછી તે દેહ નિશ્ર્ચેતન બની જાય છે. પછી તે દેહ કશા કામનો નથી રહેતો. તે નથી બોલી શકતો કે નથી ચાલી શકતો. તે કંઇ જ કરી શકતો નથી. અરે એવા એ નિશ્ર્ચેતન દેહને આપણે માયા કે મોહમાં આવી જઇને બે દિવસ રાખી મૂકીએ તો તે દેહ ગંધાવા લાગે છે. જેનો આપણને ખૂબ મોહ હતો, જેના વિના એક ક્ષણ પણ જીવવાનું કપરુ બની જશે એવું આપણે વિચારતા હતા તેવો આપણને પ્રિય વ્યક્તિનો દેહ આપણે માટે નકામો બની જાય છે. પત્ની ગમે તેટલું કલ્પાંત કરે તો પણ તેના મૃત પતિના દેહને સ્મશાનમાં લઇ જ જવો પડે છે. તે તો માત્ર પાંચ તત્વોનું બનેલું શરીર છે છે જે પાછું તેમાં ભળી જાય છે. એટલે ભગવાને અહીંયાં કહ્યું છે કે કોઇના મૃત્યુ પર શોક કરવાની જરુર જ નથી. જેની સાથે લાંબો સહવાસ થયો હોય તેવા દેહની આપણને માયા થઇ ગઇ હોય છે એટલે તેના ચાલ્યા જવાથી આપણને આઘાત-કલ્પાંત- દુ:ખ થાય એ સ્વાભાવિક છે પણ તો ય ભગવાન આપણને બોધ આપે છે કે તમે જેની સાથે વાતો કરતા હતા, પ્રેમ કરતા હતા તે આત્મા મરતો નથી, તે અવિનાશી છે એટલે તેને માટે શોક કરવો મિથ્યા છે.
અસ્તું.
અનંત પટેલ