ગીતા દર્શન – ૧૩

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

* ગીતા દર્શન *


” નૈનંછિન્દન્તિશસ્ત્રાણિનૈનંદહતિ પાવક: ।
ન ચૈનંક્લેદયન્યાયો ન શોષયતિ  મારુત : ॥ ૨-૨૩ ॥ “

  અર્થ:-

” આત્માને શસ્ત્રો છેદી શક્તાં નથી, અગ્નિ બાળી શક્તો નથી , પાણી ભીંજવી શક્તું નથી અને પવન સૂકવી શકતો નથી. ”

ભગવાને આ શ્ર્લોકમાં આત્મા કેવો છે તેની સમજ અર્જુનને આપી છે. ગીતાનું વાંચન કરતાં એમ લાગે છે કે દરેક વાચક અર્જુન છે અને ભગવાન શ્રીકૃષ્ણ  દરેકના પ્રશ્નનું સમાધાન કરે છે. આત્મા શું છે, તેની શક્તિ કેવી છે તેની વાત અહીં સમજાવેલ છે. યુધ્ધ થાય છે, ગોળીઓ છૂટે છે કે બોમ્બવિસ્ફોટ થાય છે ત્યારે મનુષ્યના દેહ ઘવાય છે, ટૂકડા થઈ જાય છે પણ એ દેહને જેણે ધારણ કરેલ છે તે આત્માને કંઈ જ થતું નથી. એ તો એક દેહ બદલીને બીજો દેહ ધારણ કરે છે. આમ જે હણાય છે તે દેહ હણાય છે આત્મા હણાતો નથી. આત્માને હણી શકાતો જ નથી કેમ કે એ તો નિરાકાર છે, જેનો કોઇ ચોક્કસ આકાર જ ન હોય તેને તમે કેવી રીતે હણી શકો ? આવી જ રીતે આત્માને બાળી શકાતો નથી. ભીંજવી શકાતો પણ નથી કે વાયુ તેને સૂકવી શકતો નથી. તેનુ સ્વરુપ સુક્ષ્મ છે. આપણા  શરીરને તણખો અડે તો દાઝવાની પીડા થાય છે, પાણી અડકે તો ભીંજાવાની અનૂભુતિ થાય છે તે દેહ મારફતે થાય છે. અહીં એટલું તો કહી શકાશે કે આત્માને સારા નરસાની અનુભૂતિ જરુર થાય છે પણ તે અનૂભુતિ જે તે દેહ મારફતે થાય છે. અને તે અનૂભુતિ  જે તે દેહ પૂરતી સીમીત રહે છે. આત્મા જ્યારે તે દેહને છોડી દે છે ત્યારે આવી અનૂભુતિઓ સાથે લઈને જતો નથી.

વધુમાં આ શ્ર્લોક દ્વારા ભગવાન અર્જુનને એમ સમજાવેછે કે જે બળી જાય છે, જે ભીંજી જાય છે કે જે સૂકાઈ જાય છે તે દેહ છે આત્મા નથી. યુધ્ધના મેદાનમાં આવીને અહીયાં જે ઉભા છે તે બધા દેહો છે. તેમના આત્માઓ સાથે તારે કશું લેવા દેવા નથી  કેમ કે તેમને તો તું  મારી શકવાનો નથી. આ રીતે આ બધા તારા વડે હણાઈ જશે એવો કોઇ  ભય તારે  રાખવાની જરૂર નથી. ધર્મયુધ્ધમાં આવા વિચારોને કોઇ સ્થાન આપવાનું  હોતું જ નથી. આ શ્ર્લોકમાં ભગવાને આત્માની  સૂક્ષ્મતા અને અલિપ્તતાનો ખ્યાલ આપ્યો છે જે ધ્યાનમાં રાખી આપણે પણ  શાંત અને સાત્વિકતાવાળું જીવન જીવવાના જ પ્રયત્નો કરવા જોઇએ. કોઇના મરણ પ્રસંગે ખૂબ શોકમાં નહિ ડૂબી જતાં મરણ પામનારના આત્માની સદગતિ માટેની પ્રાર્થના કરવી જોઇએ કેમ કે જે બળી જાય છે તે દેહ છે આત્મા નથી.

અસ્તુ.

અનંત પટેલ

anat e1526386679192

Share This Article