ગીતા દર્શન – ૧૨

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

*ગીતા દર્શન*


 ” વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય જીર્ણાનિ ગૃહણાતિ નર:અપરાણિ II
      તથા શરીરાણિ વિહાય જીર્ણાનિ અન્યાનિ સંયાતિ નવાનિ દેહી II ૨/૨૨ II “

  અર્થ :-

” જેમ મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજી નવાં વસ્ત્રો ધારણ કરે છે તેમ દેહધારી આત્મા જૂનાં શરીરો ત્યજી બીજાં નવાં શરીરો પામે છે. ”

આપણે  મનુષ્યો દરરોજ સવારે સ્નાન કર્યા બાદ નવાં વસ્ત્રો પહેરતા હોઇએ છીએ. કેમ ? કારણકે ગઇકાલે પહેરેલાં વસ્ત્રો મેલાં થયાં હોય છે, તે કપડાંમાં પરસેવો ધૂળ તેમ જ અન્ય કોઇ ડાઘ પણ પડ્યા હોય છે. જેવી રીતે આપણે દરરોજ મેલાં  થયેલાં વસ્ત્રોની જગાએ નવાં કે ધોયેલાં અથવા બીજાં સ્વચ્છ કપડાં ધારણ કરીએ છીએ તેવી જ રીતે મનુષ્યનો આત્મા પણ તેણે ધારણ કરેલ દેહનો સમયાંતરે ત્યાગ કરે છે અને નવો દેહ ધારણ કરે છે. જીવાત્મા દેહનો ત્યાગ કરવાનો જ છે તે બાબત અગાઉથી જ નક્કી થયેલી જ હોય છે. યુધ્ધમાં ઘણા બધા યોધ્ધાઓનો સંહાર થવાનો હોવાથી તેને કારણે ઉપજનારા અર્જુનના શોકને દૂર કરવા માટે ભગવાન જૂદા જૂદા દાખલા અને દલીલો આપે છે. દરેક દેહનો એક્ને એક દિવસે તો નાશ અચૂક થવાનો જ છે તેવું આપણે સૌ જાણીએ છીએ તે છતાં જ્યારે પણ આપણા કોઇ નજીકના સ્નેહીનું અવસાન થાય ત્યારે એના શોકને દૂર કરવા માટે આત્મા અવિનાશી છે અને માનવ દેહ તો નાશવંત છે તે બાબત સ્પષ્ટ કરવા ભગવાને ગીતા દ્વારા અર્જુન મારફતે આપણને દિવ્ય જ્ઞાન આપેલ છે. અને એ રીતે માણસો મૃત્યુની હકીકતને સ્વીકારીને શોકને ત્યજીને તેમના બાકીના જીવન પંથ ઉપર આગળ વધે તે પણ સંસાર માટે એટલી  જ મહત્વની બાબત છે. આમ કોઇના મૃત્યુ પ્રસંગે અતિશય શોકમાં ડૂબી જવાને બદલે સ્વસ્થતા ધારણ કરીને આપણે આપણી સાંસારિક જવાબદારીઓને સારી  રીતે નિભાવીએ તે ખૂબ જ મહ્ત્વનું છે.

અસ્તું.

અનંત પટેલ


anat e1526133269569

Share This Article