* ગીતા દર્શન *
“વેદ અવિનાશિનં નિત્યમ ય: એનં અજમ અવ્યયમ II
કથમ સ: પુરુષ: પાર્થ કમ ઘા તયતિ હન્તિ કમ II ૨/૨૧ II
અર્થ:-
“હે પાર્થ, જે આને અવિનાશી , નિત્ય ,અજન્મા અને અવિકારી જાણે છે, તે કેવી રીતે કોઇને હણાવે છે કે હણે છે?”
અહી ભગવાને આત્માનાં તત્વો દર્શાવ્યાં છે:-
– તે અવિનાશી છે એટલે કે તેનો નાશ થતો નથી,
– તે નિત્ય છે એટલે કે તેનું અસ્તિત્વ કાયમી છે,
– જે ફરી ફરી જન્મ લેતો નથી એટલે કે જે માત્ર દેહ બદલે છે,
– જેનામાં કોઇ વિકારીપણું નથી.
આમ હણવાની કે હણાવાની બાબત કોઇ ચેતનાને સંબંધિત હોતી નથી . જે હણાય છે તે તો માત્ર દેહ જ છે, જેને આપણે જોઇ શકીએ છીએ અનુભવી શકીએ છીએ .આપણે સૌ દેહધારી છીએ એ ખરું પણ આપણને સૌને ભગવાન ગીતા દ્વારા બોધ આપીને સમજાવે છે કે તમે ધર્મના પક્ષે રહીને કોઇ આતતાયી અથવા અધર્મી એવા દેહને હણો તો તેમાં કશું ખોટું ગણાશે નહિ. ટૂંકમાં કહીએ તો જે ચંચળ છે , જે એક ચેતના છે જેની માત્ર અનુભૂતિ જ થાય છે તે ક્યારેય કોઇને હણનાર છે કે તે પોતે હણાઇ જનાર છે તેવું માનવું એ ભ્રમણા સમાન છે. ભગવાને યુધ્ધ કરવાનું આહવાન આપ્યું પણ એ શા માટે?
ન્યાયાધીશ ગુન્હેગારને ફાંસીની સજા ફરમાવે તો એ હિંસા ગણાતી નથી કેમ કે એ ન્યાઓચિત છે. જે ધર્મના સિધ્ધાંતો અથવા તો જાહેર ન્યાયને આધારીત નિર્ણયો કરવામાં આવે છે તે સૌએ સ્વીકારવાના જ હોય છે. જે ન્યાય કરે છે તે દેહને હણે છે તેમ ન કહેવાય. ન્યાયાધીશના દેહમાં રહેલો આત્મા કોઇ ગુન્હેગારના દેહને સજા ફરમાવે તો એ વાજબી જ છે. અહીં એ એ ગુન્હેગારના આત્માને સજા કરતો નથી એ સ્પષ્ટ સમજી લેવાની જરુર છે.
અસ્તુ.
અનંત પટેલ