” ય એનં વેત્તિ હન્તારં યશ્ચૈનં મન્યતે હતં I
ઉભૌ તૌ ન વિજાનીતો નાયં હન્તિ ન હન્યતે II૨/૧૯II”
” ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂય :I
અજો નિત્ય: શશ્વતોડયં પુરણો ન હન્યતે હન્યમાને શરીરે II ૨/૨૦II”
અર્થ :-
જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઇચ્છે છે તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. આત્મા તો અજન્મા , અવિનાશી અને અમર છે. શરીરનો ભલે નાશ થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી.
ઘરમાં બાળકનો જન્મ થાય, ઇંડામાંથી બચ્ચુ બહાર આવીને પાંખો ફફડાવે અથવા ક્યાંય પણ નાનકડા તાજા જન્મેલા બચ્ચાને જોઇ ને દરેક વ્યક્તિ આનંદ વિભોર બની જાય છે. આ સમગ્ર ક્રિયા જન્મ સાથે સંબંધિત છે એટલે પ્રસવ પછી જે નવજાત શિશુને આપણે જોઇએ છીએ તેને માટે ” જન્મ થયો ” એવો શબ્દ પ્રયોગ આપણે કરતા હોઇએ છીએ .અહીં જન્મ શબ્દનો ઉપયોગ થવાથી સૌના માનસમાં નવો આત્મા જન્મ્યો તેવો ખ્યાલ પ્રથમ દ્રષ્ટિએ ઉદભવે છે, પણ ભગવાને ગીતામાં અર્જુનજીની શંકાઓનું સમાધાન કરતાં ખૂબ જ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આત્મા ક્યારેય જન્મતો નથી અને જેનો જન્મ જ ન થતો હોય તેનું મરણ પણ ન થાય તે પણ એટલું જ સ્વાભિવિક છે. જેનો નાશ થાય તેનો ફરી જન્મ કે સર્જન થઇ શકે પણ અહીં તો અત્માનો નાશ જ થતો નથી એટલે પછી તે ફરીથી જન્મવાનો સવાલ ઉપસ્થિત થતો નથી. છતાં લોકો એવું માનતા હોય છે કે આત્માનો પણ નાશ થાય છે જ. માણસ મરી જાય એટલે તેના મૃતદેહનો બાળીને કે દાટીને આપને નિકાલ કરી દઇએ છીએ તેથી ફરીથી તે સ્વરૂપે જોવા તો તે દેહ જોવા મળવાનો જ નથી, આને લીધે સૌમાં એવો ખ્યાલ હોય છે કે રામભાઇ મરી ગયા એટલે રામભાઇ નો આત્મા પણ મરી ગયો. પણ ના એવું હરગિજ નથી. આ બને શ્ર્લોકોમાં ભગવાને આત્માના અવિનાશીપણાની વાત કરી છે. જે મરે છે , બળે છે, કે દટાય છે તે શરીર છે. જળ, ધરતી, આકાશ, વાયુ અને અગ્નિ આ પંચ તત્વોમાંથી દેહ ઘડાયો હોય છે જ્યારે તેને બાળી દેવામાં આવે છે કે દફનાવી દેવામાં આવે છે તે પછી તે સ્થૂળ શરીરમાંથી આ પાંચેય તત્વો ક્રમશ: અલગ પડીને તે તેનાં મૂળ સ્વરૂપમાં ભળી જાય છે. એટલે આપણે દેહની મોહ માયામાં પડવું જોઇએ નહિ. એક ને એક દિવસે આપણા સૌના દેહને નાશ અવશ્ય થવાનો છે જ તો ચાલો, દેહની મોહ-માયા ત્યજીને જે સદાયને માટે અમર છે તેવા આત્માના કલ્યાણમાં આપણે લાગી જઇએ. અસ્તુ.
અનંત પટેલ