અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનો એક મંચ તરીકે ઉપયોગ કરી આર્થિક લાભ ખાટી લેવા ઉપરાંત પક્ષની ઘોર ખોદવાની પ્રવૃત્તિ આચરી હોવાના ગંભીર આક્ષેપો જેમની પર ભૂતકાળમાં ઉઠયા હતા,તે સાણંદના પ્રદેશ કોંગ્રેસ મંત્રી ગૌતમ રાવળને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પદોની લ્હાણી કરતાં થોડા સમય પહેલાં જ ભારે વિવાદ ઉઠયો હતો ત્યાં સાણંદના કોંગ્રેસના આ મંત્રી ગૌતમ રાવળ લોકસભા ચૂંટણી ટાણે જ વધુ એક વિવાદમાં ફસાયા છે.
થોડા સમય પહેલાં જ સાણંદ કોંગ્રેસના મંત્રી ગૌતમ રાવળે ૮૪ વર્ષના વયોવૃધ્ધને લાફો ઝીંકી દઇ તેમને મારી નાંખવાની ધમકી આપતાં સમગ્ર મામલો સાણંદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ૮૪ વર્ષના વયોવૃધ્ધે ગૌતમ રાવળ વિરૂધ્ધ સાણંદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલો ગરમાયો છે. બીજીબાજુ, લોકસભા ચૂંટણી ટાણે કોંગ્રેસ પક્ષના આવા વહેંતીયાઓ બિનજરૂરી વિવાદ અને કોંગ્રેસને મંચ તરીકે ઉપયોગ કરવાની હલકી માનસિકતામાંથી બહાર નહી આવે તો, પક્ષની નાવડી આવા લોકો જ ડુબાડશે તેવી આંતિરક ચર્ચા જારશોરથી કોંગ્રેસની છાવણીમાં જ ઉઠવા પામી છે. સાણંદના પ્રદેશ કોંગ્રેસ મંત્રી ગૌતમ રાવળના કારનામાની રાજકીય ગલિયારામાં જારશોરથી ચર્ચા ચાલી છે.
એક બાજુ, કોંગ્રેસ આ બધા વિવાદોમાંથી બહાર નીકળવા માંગે છે, તો ભાજપના વર્તુળમાં કોંગ્રેસના આ આંતિરક વિખવાદને લઇ લોકો ગેલમાં આવી ગયા છે અને લોકસભા ચૂંટણી ટાણે તેનો પૂરેપૂરો રાજકીય લાભ ખાટી લેવામાં માને છે. આ અંગેની વિગત એવી છે કે, સાણંદની જાણીતી જડીબા હાઇસ્કૂલનું મેનેજમેન્ટ પડાવી લેવા કાવદાવા રચી રહેલા ગૌતમ રાવળને કાયદાકીય રીતે પછડાટ મળતાં તેઓ ગીન્નાયા હતા અને થોડા સમય પહેલાં તેમના સાથીદાર જેસંગજી ઠાકારને લઇ નળ સરોવર રોડ પર આવેલી જડીબા હાઇસ્કૂલ પર ધસી ગયા હતા. એ વખતે ૧૮ વર્ષથી ટ્રસ્ટી તરીકે સેવા આપતાં ૮૪ વર્ષીય વયોવૃદ્ધ બાલુભાઇ પટેલ શાળાના આચાર્યા સાથે ચેરિટી કમિશનરમાંથી આવેલા પત્રની ચર્ચા કરતા હતા. ત્યારે ગૌતમ રાવળે કાગળ વાંચવા માંગી આવા ફરફરિયા તો આવ્યા કરે તેમ કહી કાગળ ફેંકી દઇને બાલુભાઇને ગમે તેમ ગાળો ભાંડી હતી., ટ્રસ્ટી બાલુભાઇએ આ પ્રકારે ગાળો નહી બોલવાનું જણાવતાં ઉશ્કેરાયેલા ગૌતમ રાવળે ૮૪ વર્ષના આ વયોવૃદ્ધ ટ્રસ્ટીને ગાલ પર સણસણતો લાફો ઝીંકી દીધો હતો.
જેસંગજી ઠાકોરે પણ તેમને ગાળો આપી હતી. બાદમાં બાલુભાઇ પટેલે સમગ્ર મામલે ગૌતમ રાવળ અને જેસંગજી ઠાકોર વિરૂધ્ધ સાણંદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ગૌતમ રાળવને કોર્ટમાંથી જામીન મેળવવાની ફરજ પડી હતી. સાણંદમાં જ અગાઉના વર્ષોમાં છોરોડીના પ્રાઇમ લોકેશનની જમીનનો કરેલા ફાંદા સહિતના વિવાદો પણ હાલ ચર્ચામાં છે ત્યારે આવી ગુનાઇત અને કોંગ્રેસની પ્રતિષ્ઠાને વટાવી ધનસંચય કરવાની માનસિકતા ધરાવતા ગૌતમ રાવળ જેવા માણસોને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કયા દબાણ હેઠળ પદોની લ્હાણી કરી તે વાતને લઇ હાલ ખુદ કોંગ્રેસના વર્તુળમાં જ આંતરિક ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટમઈમાં ગૌતમ રાવળે વચેટિયાની ભમિકા ભજવી કોંગ્રેસને હરાવનારને સજાના બદલે શીરપાવનો મામલો હજુ થોડા સમય પહેલાં જ કોંગ્રેસ વર્કીંગ કમીટીની બેઠક પહેલાં જ મીડિયામાં ચગ્યો હતો, જેને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું હતું.