નવીદિલ્હી : બે વર્ષથી ટીમ ઇન્ડિયાની બહાર રહેલા ભારતીય ઓપનિંગ બેટ્સમેન ગૌત્તમ ગંભીરે આખરે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી હતી. ગૌત્તમ ગંભીરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વિડિયો શેયર કરીને આ અંગેની જાહેરાત કરી હતી. ગૌત્તમ ગંભીરે કહ્યું છે કે, ખુબ મુશ્કેલ સમયમાં તે આ નિર્ણય કરી શક્યો છે. મુશ્કેલ નિર્ણય હંમેશા ટેન્શનમાં કરવામાં આવે છે. ૨૦૧૧માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના મેચના હિરો રહેલા ગૌત્તમ ગંભીરે કેરિયરમાં ૫૮ ટેસ્ટ મેચો અને ૧૪૭ વનડે મેચો રમ્યો છે. દિલ્હીના આ ખેલાડીએ ભારત માટે છેલ્લી વખત ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડની સામે નવેમ્બર ૨૦૧૬માં રમી હતી.
૨૦૧૧ના વર્લ્ડકપની ફાઇનલમાં ગૌત્તમ ગંભીરે ૯૭ રનની ઇનિંગ્સ રમી હતી અને વર્લ્ડકપ જીતવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. ટીમ ઇન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાની સામે ફાઇનલ મેચમાં છ વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ બીજી વખત ભારતીય ટીમ વર્લ્ડકપ જીતી ગઈ હતી. ગૌત્તમ ગંભીરે ટેસ્ટ મેચમાં ૪૧૫૪ અને વનડે ક્રિકેટમાં ૫૨૩૮ રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટમાં તેનો સર્વશ્રેષ્ઠ જુમલો ૧૫૦ રનનો રહ્યો હતો.
ગૌત્તમ ગંભીરના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સે બે વખતે આઈપીએલ ટ્રોફી જીતવામાં સફળતા મેળવી હતી. છેલ્લી સિઝનમાં તે દિલ્હી ડેરડેવિલ્સના કેપ્ટન તરીકે હતો પરંતુ અધવચ્ચે કેપ્ટન તરીકે રાજીનામુ આપ્યું હતું. ગૌત્તમ ગંભીર તમામ ફોર્મેટમાંથી નિવૃત્ત થઇ ગયો છે. ગૌત્તમ ગંભીર નિવૃત્ત થયા બાદ તેના ચાહકોએ પણ આને લઇને પ્રતિક્રિયા આપી છે. ગંભીર એક સ્ટાર ક્રિકેટર તરીકે હતો.