અમદાવાદ : ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશભરમાંથી પહોંચેલી મહિલા કાર્યકરોને પ્રેરક માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓની વિસ્તારપૂર્વક વાત કરી હતી અને દેશના લોકો સુધી તમામ કામગીરીને લઈ જવા અને એક એક વ્યક્તિનો સંપર્ક કરવા ઉપસ્થિત કાર્યકરોને સૂચન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે દેશવાસીઓના સપના આપણા સપના છે. તેમને પૂર્ણ કરવા તે આપણી જવાબદારી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે પંચાયતથી લઈને સંસદ સુધી ભાજપ માટે જન જનના વિશ્વાસને સંપાદન કરવામાં નારી શક્તિની મહત્વની ભૂમિકા રહેલી છે. મોદીએ પોતાના સંબોધનના અંતે સૂચન કરતા કહ્યું હતું કે મેરા બુથ સબસે મજબૂત માટે સંકલબદ્ધ થવાની જરૂર છે.
મહિલાઓને હાકલ કરતા મોદીએ કહ્યું હતું કે પોતના વિસ્તારમાં દરેક વ્યક્તિની સાથે સંપર્ક કરીને તેમની તકલીફો દુર કરવાના પ્રયાસ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે. રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં ખુલ્લા અધિવેશનમાં હાઉસ ફુલના શો વચ્ચે મોદીએ પોતાની સરકારની સિદ્ધિઓની વાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય મંત્રીમંડળમાં રહેલી મહિલા પ્રધાનો પણ ઉપÂસ્થત રહી હતી. મોદીએ પ્રત્યેક મહિલા કાર્યકરને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. અધિવેશનની અભૂતપૂર્વ સફળતા બદલ દરેક મહિલા કાર્યકરનો આભાર માન્યો હતો. પાંચ સાલ ૫૦ નિર્ણયની પુસ્તિકા દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષના ગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે મહિલાઓની પ્રગતિ માટે કરેલા કાર્યો અંગેની પુસ્તિકા માટે વડાપ્રધાન અભિનંદન પાઠવવાની સાથે સાથે દેશની ભાજપ શાસિત રાજ્યોની તથા જિલ્લા, નગરપાલિકાઓમાં મહિલાઓના કલ્યાણ માટે કરેલા વિકાસ કાર્યો પણ જન જન સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. મોદીએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે આજથી ૯૦ વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપાલટીમાં મહિલા આરક્ષણની વાત કરીને તમામને ચોંકાવી દીધા હતા.
સરકારની મોટાભાગની ફ્લેગશીપ યોજનાઓમાં કેન્દ્રબિંદુમાં મહિલાઓ હોવાનો દાવો મોદીએ કર્યો હતો. મોદીએ એમ પણ કહ્યું હતું કે છેલ્લા સાત દાયકાઓમાં દેશની જનતાએ તમામ વિકલ્પોને અજમાવ્યા બાદ ભાજપને જવાબદારી સોંપી હતી અને ભાજપ સરકારે પોતાની જવાબદારી અદા કરવામાં સફળતા હાંસલ કરી છે. મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરતા કહ્યું હતું કે ૯૦ લાખ મહિલાઓ ઘરની માલિક બની છે. મુદ્રા યોજનામાં ૭૦ ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે. જન ધન યોજનાની વાત કરતા મોદીએ કહ્યું હતું કે આ યોજનામાં ૩૪ કરોડ બેન્ક ખાતામાંથી ૧૮ કરોડ બેન્ક ખાતા મહિલાઓના ખુલ્યા છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દ્વારા ૧.૫૦ કરોડ મહિલાઓના ખાતામાં ૩૦ હજાર કરોડ રૂપિયા જમા થઈ ચુક્યા છે. મુદ્રા યોજનાના ૧૫ કરોડ લાભાર્થીઓમાં ૧૧ કરોડ મહિલા લાભાર્થી છે. મેટરનિટી લીવ ૧૨ સપ્તાહથી વધારીને ૩૬ સપ્તાહ સુધી કરવામાં આવી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આજે દેશના ૨૨ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસમાં ૩૩ ટકા મહિલા અનામતની જાગવાઈ છે. યુપીએના શાસનમાં ૨૦૧૧માં શરૂ કરવામાં આવેલા નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશનમાં છેલ્લા બે વર્ષમાં ભાજપના શાસનમાં ૭૫ ટકા એટલે કે ૫૨૦૦૦ કરોડ રૂપિયાની નાણાકીય સહાય પુરી પડાઈ છે.
માત્ર વંદના યોજના દ્વારા પ્રસૂતા માતાને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ૬૦૦૦ રૂપિયા સુધી નાણાકીય સહાયતા કેન્દ્રની ભાજપ સરકાર આપી રહી છે. જેનાથી હજુ સુધી ૫૦ લાખ મહિલાઓને લાભ થયો છે. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના દ્વારા ૧.૫૦ કરોડ પ્રસૂતિ માતાઓની તપાસ તથા તેમાંથી ૭.૫૦ લાખ ગંભીર પ્રસૂતિ કેસો શોધી કાઢવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના દ્વારા ગરીબમાં ગરીબ મહિલાઓની સારવાર શક્ય બની છે. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા દેશમાં ૯૭ ટકા ઘરો સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચી ચુક્યો છે. આજે છ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજનાની લાભાર્થી બનીને ચુલાના ધુમાડાના વાતાવરણમાંથી મુક્ત બની છે. લક્ષ્યાંક દેશના તમામ ઘર સુધી ગેસ સિલિન્ડર પહોંચાડીને સ્વચ્છ વાતાવરણ નિર્માણ કરવાનું છે. જીએસટીના અમલીકરણ પછી મોંઘવારી ઉપર બ્રેક વાગી છે. વીજળીના દર હોય કે મોબાઈલના બિલ હોય દવાઓ હોય કે બેન્કની લોનના હપ્તા હોય તમામ દરોમાં ભૂતકાળની સરખામણીમાં ઘટાડો થયો છે. ત્રિપલ તલાકના કાયદા દ્વારા મુસ્લિમ મહિલાઓને સન્માન આપવાના પ્રયાસ થઈરહ્યા છે. વિરોધ પક્ષોના વિરોધ છતાં ભાજપ સરકાર ત્રિપલ તલાક માટે પ્રતિબદ્ધ છે. દેશની અતિ મહત્વની સુરક્ષા સમિતિમાં પણ હવે બે મહિલા કેબિનેટ મંત્રીઓ છે. ભાજપના શાસન કાળમાં જ એરફોર્સમાં પહેલી મહિલા ફાઈટર અને નેવીમાં લેડી ઓફિસર વિંગ સામેલ થયા છે. બળાત્કારના કેસોમાં ફાંસીથી લઈને ૨૦ વર્ષ સુધીની જાગવાઈ ભાજપના શાસનમાં અમલી બની છે. નારી શક્તિનું ધ્યાન દોરીને વડાપ્રધાને તમામ બાબતોને જન જન સુધી પહોંચાડવાની અપીલ કરી હતી. મેરા બુથ સબસે મજબૂત ભાવના સાથે દરેક પરિવારના સુખ દુખ અને સમસ્યાઓથી વાકેફ રહીને સહભાગી થવા મોદીએ સૂચન કર્યું હતું.