અમદાવાદ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ગાંધી જન્મભૂમિ પોરબંદરથી પ્રારંભ કરાવતા જાહેર કર્યું કે, ગરીબો-દરિદ્ર નારાયણોની આર્થિક ઉન્નતિ અને કલ્યાણ માટે આ સરકાર સદૈવ સંકલ્પબદ્ધ છે અને રહેવાની છે. આ સંદર્ભમાં તેણમે મહાત્મા ગાંધીના અંત્યોદય-દરિદ્રનારાયણના વિકાસથી જ સાચુ સ્વરાજ્ય અને સુરાજ્ય સ્થાપી શકાય તેવી નેમને સાકાર કરવાની દિશા આ સરકારે ગરીબ કલ્યાણ મેળાના સેવા યજ્ઞથી બતાવી છેએમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના કનેક્શન મેળવેલ ૨ લાખ જેટલ બહેનોને સ્ટેઇનલેસ સ્ટીલના ૫ લીટરના પ્રેશર કૂકર આપીને સમયની બચત અને પૌષ્ટિક ખોરાક રાંધવાની તક આપી છે તેમ પણ જાહેર કર્યું હતું.
આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા આ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં સ્ગ્ર રાજ્યના ૩૩ જિલ્લામાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને ૨૩૦૭ કરોડના સાધન સહાય લાભનો આ સેવા યજ્ઞ અંતર્ગત વિતરણ થવાનું છે. મુખ્યમંત્રીએ અંત્યોદ દરિદ્રનારાયણના ઉત્થાન માટે સદૈવ પ્રતિબદ્ધ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરના આંગણે આ મેળા અંતર્ગત ૩૪૧૪ લાભાર્થીઓને ૧.૬૧ કરોડની સહાય અર્પણ કરી હતી.
વર્ષ દરમિયાન કુલ ૧૫૪૬૭ લાભાર્થીઓને ૧૧.૧૨ કરોડની સહાય ગરીબ કલ્યાણ પૂર્વે વિતરણ થઇ ગઈ છે. ગત વર્ષે યોજાયેલી ગરીબ કલ્યાણ મેળાની ૧૦મી કડીમાં આ જિલ્લાના ગરીબ વંચિત દરિદ્રનારાયણને કુલ ૭ કરોડ ૯૬ લાખની સહાય રાજ્ય સરકારે આપી હતી. વિજય રૂપાણીએ આ વર્ષના ગરીબ કલ્યાણ મેળામાં ૨૫ હજાર સુધીની કિટ આપીને વંશ પરંપરાગત કડિયા, લુહાર, સુધાર, પ્લમ્બર વગેરેને આધુનિક ટેકનિક સાથે આર્થિક આધાર આપવાનો અભિગમ અપનાવ્યો છે તેની ભૂમિકા આપી હતી.