અમદાવાદ : રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. પાણી તો હવે ઓસરી ગયા છે, પરંતુ રોગચાળો માઝા મૂકી રહ્યો છે. રાજ્યમાં રોગચાળો વધવાને કારણે તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોએ માથું ઉચક્યું છે. આ તમામ રોગ મચ્છરોના કરડવાથી થતાં હોવાથી રાજ્ય સરકારે હવે મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે ગપ્પી માછલીઓનો ઉછેર કરવાનું શરૂ કર્યું છે.
તાજેતરમાં રાજય સરકારના નિર્દેશાનુસાર સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ગપ્પી માછલીઓનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં સ્થાનિક તળાવો અને પાણી ભરાયા હોય તેવા સ્થાનોએ ગપ્પી માછલી તરતી મૂકી મચ્છરોના ઉપદ્રવ ઘટાડવામાં સફળતા મળી હતી, જેને પગલે હવે રાજય સરકારે રાજયના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ગપ્પી માછલીઓનો પ્રયોગ અમલમાં મૂકી મચ્છરોના ઉપદ્રવનું નિવારણ કરવાની દિશામાં આયોજન હાથ ધર્યું છે.
આ બાબતે આરોગ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં મચ્છરોના ઉપદ્રવ ઘટાડવા માટે ગપ્પી માછલીનો સહારો લેવામાં આવ્યો છે, આ માછલીઓને તળાવમાં મૂકવાથી અથવા તો જ્યાં પાણી ભરાયા હોય તેવી જગ્યા ઉપર મૂકવાથી તે માછલી મચ્છરોના ઈંડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે, ગપ્પી માછલીનું આયુષ્ય ફક્ત ૬૦ દિવસનું જ હોય છે, જ્યારે ગપ્પી માછલી જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાં વધુ માછલી ઉત્પન્ન થાય તે માટે રાજય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેથી નવી ઉત્પન્ન થયેલી માછલીઓને પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય અને મચ્છરોનો ઉપદ્રવ પર કાબૂ મેળવી શકાય.