પટણા: બિહારના કુખ્યાત ગેંગસ્ટર સંતોષ ઝાની સીતામઢી કોર્ટ સંકુલમાં ગોળીમારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આજે સુનાવણી માટે ઝાને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન છુપાયેલા હુમલાખોરોએ એકાએક ગોળીબાર કર્યો હતો.
ઘાયલ હાલતમાં સંતોષ ઝાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એક મામલામાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયિક અધિકારીની ઓફિસમાં હુમલાખોરોએ સંતોષ ઝા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેના ભાગરુપે એક ગોળી ઝાના માથામાં, બીજી ગોળી છાતીમાં વાગી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખેસડાયો હતો. સંતોષ ઝાને રાજ્યના સૌથી ગંભીર અપરાધી પૈકી ગણવામાં આવતો હતો. અનેક હત્યામાં તેની સંડોવણી હતી.