કેનેડામાં લગ્નમાં જઈ રહેલા ગેંગસ્ટર અમરપ્રીત સમરાની ગોળી મારી હત્યા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કેનેડામાં ભારતીય મૂળના ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તે રિસેપ્શનમાં જઈ રહ્યો હતો ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેને ગોળી મારી દીધી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, હત્યાના અડધા કલાક પહેલા તે તેના સાથીદારો સાથે ડાન્સ ફ્લોર પર ડાન્સ કરી રહ્યો હતો. જેવો તે સ્વાગત સ્થળની બહાર આવ્યો કે અજાણ્યા હુમલાખોરોએ તેના પર હુમલો કર્યો. ગેંગસ્ટરની ઓળખ પંજાબના અમરપ્રીત (ચક્કી) સમરા તરીકે થઈ છે.  અમરપ્રીત કેનેડા પોલીસના હિટ લિસ્ટમાં સામેલ હતો. તે તેના ગેંગસ્ટર ભાઈ રવિન્દર સાથે લગ્ન સમારોહમાં પહોંચ્યો હતો. તેઓ વાનકુવરથી કાર્યરત યુનાઈટેડ નેશન નામની ગેંગ સાથે જોડાણમાં કામ કરતા હતા. કહેવાય છે કે લગ્ન સમારોહમાં કેટલાક અજાણ્યા લોકો પહોંચ્યા અને ડીજેને સંગીત બંધ કરવા કહ્યું. આ દરમિયાન હોલમાં લગભગ ૬૦ લોકો હાજર હતા. કેટલાક લોકોએ ઈમરજન્સી નંબર ૯૧૧ પર ફોન કર્યો અને પોલીસને જાણ કરી કે દક્ષિણ વેનકુવર બેન્ક્‌વેટ હોલ પાસે કોઈને ગોળી વાગી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને સીપીઆર પણ આપ્યો હતો, પરંતુ ગંભીર ઈજાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ગેંગ વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે માનવામાં આવે છે કે ગેંગસ્ટર અમરપ્રીતની ટાર્ગેટ કિલિંગ થઈ છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓને શોધવા માટે સામાન્ય લોકો પાસેથી મદદની અપીલ કરી છે. પોલીસે આ માટે ફોન નંબર ૬૦૪-૭૧૭-૨૫૦૦ પણ જાહેર કર્યો છે. ગયા વર્ષે કેનેડિયન પોલીસે ૧૧ લોકોના નામ આપ્યા હતા અને ચેતવણી જાહેર કરી હતી. કહેવાય છે કે આ તમામ ગેંગ હિંસાનો ભાગ હતા. કેનેડા પોલીસે સામાન્ય લોકોને આવા ગુંડાઓથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. એલર્ટ પર રહેલા ૧૧ લોકોમાં એકલા ભારતના પંજાબ રાજ્યના ૯ ગુંડાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં અમરપ્રીત અને તેનો ભાઈ રવિન્દર પણ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ પ્રાંતમાં અનેક હત્યાઓમાં સામેલ હતા.

Share This Article