ગાંધીનગર-અમદાવાદ વચ્ચે આજથી ઇલેક્ટ્રોનિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. આજરોજ પંચદેવ મંદિર, સેક્ટર -૨૨ , ગાંધીનગર ખાતેથી માન. મેયર હિતેષભાઈ મકવાણા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ દ્વારા બસને લીલી ઝંડી આપીને બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાનાં ડે. મ્યુનિ. કમિશનર ડૉ. પારૂલ માનસાતા, શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ રૂચિર ભાઈ ભટ્ટ, શહેર મહામંત્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગૌરાંગભાઈ પટેલ વોર્ડના કોર્પોરેટરશ્રી પદમસિંહ ચૌહાણ, કૈલાશબેન સુતરિયા, કિંજલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
પ્રદુષણ મુક્ત પરિવહનના લક્ષ્યાંકને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા સ્માર્ટસિટી ડેવલપમેન્ટના સહયોગથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. બન્ને શહેર વચ્ચે કુલ ૩૦ ઇ-બસ શરૂ કરવામાં આવનાર છે, જે અંતર્ગત હાલ ૬ રૂટ પર બસની શરૂઆત કરવામાં આવી છે. આ ૬ બસ ગાંધીનગર તથા અમદાવાદના મુખ્ય પિકઅપ પોઇન્ટ કૃષ્ણનગર, ઠકકરનગર, સોનીની ચાલ, ગેલેક્સી, ઇન્દિરા બ્રિજ, પાલડી, અડાલજ, ઘ-રોડ, પથિકાશ્રમ તથા સેક્ટર ૨૮/૨૮ના રૂટ પર ફરશે. આ બસની સુવિધા શરૂ થયેથી અમાદાવાદ-ગાંધીનગર વચ્ચે રોજ અપડાઉન કરતા મુસાફરોની સગવડતામાં વધારો થશે.