અમદાવાદ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતિની આગામી તા.રજી ઓકટોબર-ર૦૧૮થી શરૂ થનારી રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં ગુજરાત ગરિમામય ઉજવણીથી ગાંધી મૂલ્યોને ચીરંજીવ બનાવશે તેવી નેમ દર્શાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,
ગાંધીજીની વતનભૂમિ એવા ગુજરાતની આ જન્મજયંતિ ઉજવણીમાં વિશેષ જીમ્મેદારી બને છે અને તે અનેક રચનાત્મક કાર્યક્રમો યોજીને આપણે પાર પાડવી છે. મુખ્યમંત્રી મહાત્મા મંદિરમાં યોજાયેલી ગાંધી ૧પ૦મી જન્મજ્યંતિ ઉજવણીની રાજ્ય કક્ષાની સમિતીની પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મંત્રીઓ સર્વ ગણપતસિંહ વસાવા, ઇશ્વરભાઇ પરમાર, પ્રદિપસિંહ જાડેજા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો, ગાંધી જીવન-વિચાર મૂલ્યો સાથે કાર્યરત સેવા સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બેઠકમાં જોડાયા હતા.
વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગાંધીજીના જન્મથી લઇને તેમના રાષ્ટ્રપિતા સુધીના જે સ્થળો ગુજરાતમાં તેમના જીવન-કવન સાથે જોડાયેલા છે તેનું ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ કરી તેની મૂલાકાતે વધુ લોકો આવે તેવું આયોજન આ ઉજવણી દરમ્યાન કરવાની નેમ છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેય ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણીની ભવ્ય ઉજવણી માટે સંકલ્પબધ્ધ છે ત્યારે ગાંધીના ગુજરાતમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબતોના કાર્યઆયોજનથી આ ઉજવણી કરવી છે, તેમણે આ અંગેની વિશદ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ ઉજવણીમાં જનભાગીદારી વિશાળ પાયે પ્રેરિત થાય તેવું પીપલ્સ ઇન્વોલ્વમેન્ટ કાર્યક્રમોમાં થાય તે આવશ્યક છે. વિજયભાઇ રૂપાણીએ વર્તમાન સ્થિતિમાં ગાંધીજીના વિચારોનું સાતત્યપૂર્ણ રિલેવન્સ સાધી શકાય તે પ્રકારના કાર્યક્રમોથી યુવા પેઢીને ગાંધી શાશ્વત મૂલ્યો તરફ વાળવાના વાતાવરણ નિર્માણનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્ય સ્તરીય બેઠકમાં આવતા સૂચનો-સૂઝાવો પર પરામર્શ-વિચાર કરીને ઉજવણીને આખરી ઓપ અપાશે. મુખ્યમંત્રીએ ગાંધી વિચાર મૂલ્યો સાથે જોડાયેલી સેવા સંસ્થાઓ પણ ૧પ૦મી ગાંધીજ્યંતિ ઉજવણીમાં યોગદાન આપે અને નવિન વિચારો સાથે આગળ આવે તો રાજ્ય સરકાર યોગ્ય પ્રોત્સાહન-મદદ આપશે તેમ પણ ઉમેર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, ગાંધીજી સૌને અનેક રીતે વિવિધ પરિપ્રેક્ષ્યમાં નિયમીત રીતે યાદ આવે જ તેવું તેમનું વ્યકિતત્વ અને કતૃત્વ રહ્યા છે. નવી પેઢીમાં ગાંધી વિચારોનું સંવર્ધન થાય, એ પેઢી પણ ગાંધી જીવન દર્શન પ્રત્યે ઝડપથી આકર્ષિત થાય તેવા કાર્યક્રમો સૌએ સાથે મળીને ઉજવવા જોઇએ. નાયબ મુખ્યમંત્રીએ ગાંધી વિચારો સમાજજીવનમાં વધુ સુદ્રઢ અને ઉપયુકત બને તે હેતુસર ઉજવણી કાર્યક્રમો લોકભોગ્ય બનાવવાની આવશ્યકતા વર્ણવી હતી. બેઠકના પ્રારંભમાં યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ સચિવ વીપી પટેલે ઉજવણી અંગેના રાજ્ય સરકારના ભાવિ આયોજનની પ્રસ્તુતિ કરી હતી. રાજચંન્દ્ર મિશન ધરમપૂરના ભાવિન રૂપાણીએ પણ પ્રેઝન્ટેશનના માધ્યમથી આ ઉજવણીને ગાંધીજીની આધ્યાત્મીકતા સાથે જોડી શકાય તેનું નિદર્શન કર્યું હતું.