અમદાવાદ : આજે દુનિયા આખીમાં ઊર્જાની ખેંચ વર્તાઈ રહી છે ત્યારે નીતિના ઘડવૈયાઓ એક બાજુ માથા દીઠ ઊર્જાના વધતા ઉપભોગને ઓછો કરવા ભાર આપી રહ્યા છે ત્યારે વૈકલ્પિક રીતે હવામાન પરિવર્તનને દૂર કરવાનું પડકારજનક થઈ ગયું છે. હવામાન પરિવર્તનનાં જીવલેણ પરિણામો આવી શકે છે, જેથી દુનિયા આખી ફક્ત ૩૧ વર્ષમાં, એટલે કે, ૨૦૫૦ સુધી ૧૦૦ ટકા નવીનીકરણક્ષમ ઊર્જા અપનાવવા માગે છે, એ મતલબનો ઘટસ્ફોટ ૨૦૧૮ના આઈપીસીસીના અહેવાલમાં સામે આવ્યો છે ત્યારે આ પરિપ્રેક્ષ્યમાં આઈઆઈટી બોમ્બેના પ્રો. ચેતન એસ. સોલંકીએ ભારત સહિત સમગ્ર વિશ્વભરમાં સૌર ઉર્જાના પ્રચલન માટે એક અનોખુ અભિયાન છેડયું છે અને તેના ભાગરૂપે તેમણે મહાત્મા ગાંધીએ જે પ્રકારે ગ્રામ સ્વરાજની હાકલ કરી હતી તે જ રીતે ગાંધીજીના સિધ્ધાંતો અને આદર્શોને ચરિતાર્થ કરી સૌર સ્વરાજની સ્થાપના માટે ગાંધી વૈશ્વિક સૌર યાત્રાનો સાબરમતી ગાંધી આશ્રમ ખાતેથી પ્રારંભ કર્યો હતો. પોતાની આ અનોખી વૈશ્વિક સૌર યાત્રા દરમ્યાન પ્રો.ચેતન સોલંકી ૫૦થી વધુ દેશોમાં યાત્રા કરશે અને ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને સૌર રાજદૂત બનાવશે. પોતાના આ અનોખા સંકલ્પ અંગે પ્રો.ચેતન એસ.સોલંકીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે પ્રકારે ગ્રામ સ્વરાજની હાકલ કરી હતી તે જ રેખા પર હવે ઊર્જા સ્વરાજ લાવવાનો સમય આવી ગયો છે. મહાત્મા ગાંધી હંમેશાં ખાદ્ય, વસ્ત્ર અને અન્ય મૂળભૂત જરૂરતો માટે ગામડાંઓને સ્વસક્ષમ બનાવવાના વિચારમાં વિશ્વાસ રાખતા હતા. આજે અશ્મીભૂત ઈંધણ (ફોસિલ ફયુઅલ)માંથી ઊર્જાના ઉપભોગને લીધે હવામાનમાં તીવ્ર બદલાવ આવી રહ્યો છે, જેથી દુનિયાભરમાં ઊર્જા પ્રત્યે સ્વનિર્ભર અને સ્વરાજની ગાંધીવાદી ફિલોસોફી લાગુ કરવાની તીવ્ર જરૂર ઊભી થઈ છે.
તેને ઊર્જા સ્વરાજ નામ આપવુ ઉચિત લેખાશે એમ પ્રો. સોલંકીએ ઉમેર્યું હતું. તેમણે ઊર્જા સ્વરાજનો પ્રચાર કરવા માટે આજથી સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ કરી છે. તેમણે આ યાત્રાને ગાંધી વૈશ્વિક સૌર યાત્રા (ગાંધી ગ્લોબલ સોલાર યાત્રા-જીજીએસવાય) નામ આપ્યું છે. હવે લોકો જાતે જ સૌર ઉર્જાના વિકલ્પને એસેમ્બલ કરે, રિપેર કરે અને જાતે જ તેનું ઉત્પાદન કરે તે જરૂરી બની ગયું છે. પર્યાવરણ અને ખર્ચની દ્રષ્ટિએ પણ સૌર ઉર્જા સાનુકૂળ વિકલ્પ છે. તેઓ આ યાત્રા દરમિયાન તેઓ આગામી ૬-૮ મહિનામાં ૩૦થી ૪૦ દેશનો પ્રવાસ કરશે. સાબરમતી આશ્રમ પછી તેઓ ઈન્ડોનેશિયા, મલેશિયા અને મ્યાનમાર સહિત સાઉથ- ઈસ્ટ એશિયન દેશોનો પ્રવાસ કરશે અને વિવિધ યુનિવર્સિટીઓ, નીતિના ઘડવૈયાઓ અને સરકારી અધિકારીઓને મળશે, જેઓ આ પહેલને તેમના સ્થાનિક સ્તરેથી આગળ લઈ જઈ શકે છે.
હવામાન બદલાવનો બોજ મુખ્યત્વે દુનિયાની યુવા વસતિ પર આવવાનો છે. આથી આ યાત્રા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી, ૨જી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ વૈશ્વિક ભવ્ય કાર્યક્રમમાં પરિવર્તિત થશે. પ્રો. સોલંકીએ જણાવ્યું હતું કે તે દિવસે દુનિયાભરના ૧૦ લાખથી વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ સાગમટે હાથોહાથની તાલીમ કાર્યશાળા થકી તેમના સૌર અભ્યાસ દીવાઓ બનાવવાનું શીખશે અને વિદ્યાર્થી સૌર રાજદૂત બનશે. આ દુનિયાભરના રાજદૂતો પર્યાવરણ પ્રત્યે અહિંસાના શપથ લેશે. આ વર્ષે ૨ ઓક્ટોબર, ૨૦૧૮ના ગાંધી જયંતી પર ભારતભરની ૮૫૦થી વધુ સ્કૂલના ૮ અને ૧૨ ધોરણના ૧૩૦,૦૦૦ વિદ્યાર્થીઓ સૌર અભ્યાસ દીવાઓ બનાવવાનું શીખવાડવામાં આવ્યું છે અને સૌર વિદ્યાર્થી રાજદૂત કાર્યશાળામાં ભાગ લઈએ પર્યાવરણ પ્રત્યે અહિંસાના શપથ પણ લઈ ચૂક્યા છે, જેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.