મરાઠાને અનામત આપવા માટેની માંગને સંપૂર્ણ ટેકો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ :  મહારાષ્ટ્ર સરકારે આજે ખાતરી આપી હતી કે, મરાઠા સમુદાયના લોકોને અનામત આપવા માટેની માંગણીને તે ટેકો આપે છે. સરકારે ખાતરી આપી છે કે, સમુદાયના સભ્યોને કાયદાકીય રીતે અનામત આપવામાં આવશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ તરફથી આ ખાતરી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, જરૂરી કાયદાકીય પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ અનામત આપવામાં આવશે. રાજ્યના નેતાઓ, મરાઠા આંદોલનના ટોપ નેતાઓ અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મુખ્યમંત્રીએ આ ખાતરી આપી હતી. મરાઠાને અનામત આપવાના મુદ્દે આ મિટિંગ યોજાઈ હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, જુદા જુદા વર્ગના લીડરો સાથે આ મિટિંગ યોજાઈ છે. કાયદાકીય રીતે મરાઠાઓને અનામત આપવાના સંદર્ભમાં એક સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર મરાઠા અનામતની માંગને ટેકો આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મરાઠા અનામતની માંગને લઇને મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતી વિસ્ફોટક બની ગઇ છે. ગઇકાલે પોતાની માંગોને લઇને માર્ગો પર ઉતરેલા લોકોએ પુણે-સોલાપુર હાઇવે પર નાકાબંધી કરી હતી. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાંતિ જાળવી રાખવા માટે લોકોને અપીલ કરી  છે. જેલ ભરો આંદોલનની ચેતવણીને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા ખુબ મજબૂત કરવામાં આવી છે. મુંબઈ મરાઠા ક્રાંતિના લોકોનું કહેવું છે કે, સરકાર ઉપર દબાણ લાવવામાં આવશે.

૯મી ઓગસ્ટથી અસહયોગ આંદોલન છેડવામાં આવશે. આમા મોટી સંખ્યામાં લોકો માર્ગો ઉપર ઉતરશે. બીજી બાજુ અનામતને લઇને મરાઠા બાદ હવે મુસ્લિમ અને લિંગાયત સમાજના અનામતને લઇને પણ મુદ્દો ગરમી પકડી રહ્યો છે. સોમવારના દિવસે પુણે-નાસિક મહામાર્ગ ઉપર વ્યાપક હિંસા થઇ હતી. મંગળવારના દિવસે પણ સરકારી બસ સેવા બંધ કરવામાં આવી હતી. સોમવારે થયેલી હિંસામાં આઠ કરોડનું નુકસાન થયું હતું. પુણે હિંસાના સંદર્ભમાં હજુ સુધી ચાર હજાર લોકો સામે કેસ દાખલ કરાયો છે. હજુ સુધી હિંસામાં છના મોત થઇ ચુક્યા છે.

Share This Article