ભારતમાં ઈંધણની માગમાં મોટો વધારો થયો છે. તાજેતરમાં જારી કરાયેલા આંકડાઓ અનુસાર ભારતમાં ઈંધણની માગ ૨૪ વર્ષના હાઈ લેવલ પર પહોંચી ગઇ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ માગ સસ્તા રશિયન ક્રૂડને કારણે વધી છે. ફેબ્રુઆરીમાં ઈંધણનો વપરાશ ૫ ટકા વધી ૪.૮૨ મિલિયન બેરલ પ્રી-ડે(૧૮.૫ મિલિયન ટન) થઈ ગઇ છે જે દર વર્ષે થતો ૧૫મો વધારો છે.
એક અહેવાલ અનુસાર ભારતીય ઓઈલ મંત્રાલયના પેટ્રોલિયમ યોજના અને વિશ્લેષણ સેલ(પીપીએસી) દ્વારા એકત્રિત કરાયેલા આંકડાઓમાં આ વખતે ઈંધણની માગ ૧૯૯૮થી પણ વધુ નોંધાઈ છે. આ મામલે એક લીડ ક્રૂડ એનાલિસ્ટનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં આ માગ વધી છે અને હજુ પણ દેશમાં વપરાશ વધી રહ્યો છે. એવામાં તેની માગ હજુ વધવાની શક્યતા છે. અહેવાલ અનુસાર ફેબ્રુઆરીમાં ગેસોલીન કે પેટ્રોલનું વેચાણ વાર્ષિક આધારે ૮.૯ ટકા વધીને ૨.૮ મિલિયન ટન થઈ ગયું છે. જોકે ડીઝલનો વપરાશ ૭.૫ ટકા વધીને ૬.૯૮ મિલિયન ટન થઈ ગયો છે. જ્યારે જેટ ઈંધણનું વેચાણ ૪૩ ટકાથી વધુ વધીને ૦.૬૨ મિલિયન ટન થઈ ગયું છે. જેટ ફ્યુઅલની કિંમતમાં આ રેકોર્ડ વધારો છે. જ્યારે ઈંધણ વેચાણના આંકડાથી જાણ થાય છે કે ગેસોલીન અને ડીઝલની કુલ માત્રા જાન્યુઆરીની તુલનાએ ફેબ્રુઆરીમાં ગગડી છે અને ડેલી વપરાશ વધ્યો છે. બીજી બાજુ રાંધણ ગેસ કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસનું વેચાણ ૦.૧ ટકા ગગડી ૨.૩૯ મિલિયન ટન રહ્યું છે.