અમદાવાદ ખાતે રૂા. ૮૦૦ કરોડના વિકાસ કામોના વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુર્હૂત – ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પૈસાના અભાવે કોઇ વિકાસ કામો ન અટકે તેની ચિંતા આ સરકારે કરી છે. ગુજરાત વિકાસને વરેલું છે, આ યાત્રાને કોઇ રોકી શકશે નહીં.
વિજયભાઇ રૂપાણીએ સાબરમતી નદી પર રૂા. ૭૫ કરોડના ખર્ચે નિર્માણાધીન અને ૨૧૦૦ ટન વજનના ફૂટ ઓવરબ્રિજનું ભૂમિપૂજન કર્યું હતું અને જણાવ્યું હતું કે, અમદાવાદને પતંગની ઓળખ સાથે હવે ફૂટ ઓવરબ્રિજની નવી ઓળખ મળશે.
મુખ્ય મંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાના ૬૦૦૦ જેટલા રોજમદાર સફાઇકર્મીઓને કાયમી નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા. સાથો સાથ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા પશ્ચિમ ઝોન, મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં રૂા. ૧૯૬ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૨૮૦૫ આવાસોની સોંપણી કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા પશ્ચિમ ઝોન અને દક્ષિણ ઝોનમાં રૂા. ૨૦૦ કરોડના ખર્ચે ૨૮૪૯ આવાસોનો ડ્રો કર્યો હતો અને જણાવ્યું હતું કે, આજની ફાળવણીમાં રહી જતા અરજદારો માટે આગામી ૩ માસમાં નવા ૨૫૦૦ આવાસોનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
મુખ્ય મંત્રીએ નવા પીરાણા ખાતે ૧૫૫ એમ.એલ.ડી.ની ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નારોલ-નરોડા રોડ પર સ્પ્લીટ ફ્લાય ઓવર, ખાડીયા વોર્ડમાં ૯.૨૦ મીલીયન લીટર ક્ષમતાનું પંપહાઉસ સાથે ભૂર્ગભ ટાંકી અને ૨૫ લાખ લીટરની ઓવરહેડ ટાંકી, ઇસનપુર ખાતે ૬.૯૪ મીલીયન લીટરની ભૂર્ગભ તેમજ ૨૪ લાખ લીટરની ઓવરહેડ ટાંકી, સેજપુર ખાતે ૪.૮૬ મીલીયન લીટર ક્ષમતાની ભૂર્ગભ ટાંકી અને ૧૦ લાખ લીટરની ઓવરહેડ ટાંકી, વિરાટનગરમાં ૪.૪૪ મીલીયન લીટર ક્ષમતાની ભૂર્ગભ ટાંકી સહિત ગોમતીપુર વોર્ડમાં વીર ભગતસિંહ હોલનું નવીનીકરણ કરવાના કામનું ખાતમુર્હૂત કર્યું હતું.