વલસાડઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડ શંકર તળાવ ખાતે ફલેર કંપનીના નવા ઉત્પાદન એકમનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતની ધરતી બેસ્ટ ઇન્વેસ્ટર ડેસ્ટીનેશન બન્યુ હોવાનું જણાવી, ગુજરાતમાં પ્લાન્ટ પ્રસ્થાપિત કરી, સ્થાનિકોને રોજગારીનો અવસર પુરો પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ ફલેર કંપનીના પટાંગણમાં જૈન ઉપાશ્રયો માટે વિહારધામ બનાવવાનું પણ ભુમિપુજન કર્યું હતું. જૈન મુનિ કે.સી.મહારાજે તેમને આશીર્વચન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીએ ફલેર કંપનીના પ્લાન્ટની મુલાકાત લઇ, કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કંપની ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉદ્યોગો માટે ફ્રેન્ડલી વાતાવરણ છે. ટ્રાન્સફરન્સી, ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અને શાંતિ ઉદ્યોગો માટે મહત્ત્વના પાસાંઓ છે. જેના કારણે ઉદ્યોગકારો ગુજરાત આવી રહયા છે. એફ.ડી.આઇ.માં ગુજરાત પ્રથમ છે. આવનારા દિવસોમાં એપેરલ ગારમેન્ટ પોલીસીની જાહેરાત કરવામાં આવશે. ફલેર કંપનીના નિર્માણ થકી સ્થાનિકોને રોજગારીનો અવસર મળશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા વધુમાં વધુ કંપનીઓ સાથે વિચાર-વિમર્શ થયા છે. સરકાર ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે સંપૂર્ણ સહકાર આપશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ન્યુવેલ બ્રાન્ડસના ગ્લોબલ રાઇટીંગ સીઇઓ લોરેલ હર્ડે ભારત તથા આંતરરાષ્ટ્રીય બજારમાં રેનોલ્ડસને સામગ્રી પ્રદાન કરવા માટેના નવા સાહસ પરત્વે સંપુર્ણ ભરોસો અને શ્રદ્ધા વ્યક્ત કરી ફલેર સાથેના સહયોગ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એકમ સંપુર્ણ રીતે શરૂ થઇ ગયા બાદ દરરોજ પ૦ લાખ પેનોનું ઉત્પાદન કરશે. વલસાડ એકમ ખાતે પાંચ હજારથી વધુ કામદારો સાથે વિશ્વ માટે રેનોલ્ડસ હવે મેઇડ ઇન ઇન્ડિયા થશે. મહિલા સશકિતકરણની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આ એકમમાં ૭૦ ટકા મહિલા કર્મચારીઓને રોજગારી આપવામાં આવશે.