વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા અરુણાચલ પ્રદેશના આસફિલામાં ભારતીય સેનાના પેટ્રોલિંગને ચીને અતિક્રમણ ગણીને ફરિયાદ કરી છે. જોકે, ભારત સરકારે ચીનની ફરિયાદોને ફગાવી દીધી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ૧૫મી માર્ચે બોર્ડર પર્સોનલ મીટિંગમાં ચીને ભારત સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચીને કહ્યું હતું કે, અરુણાચલમાં આસફિલા ક્ષેત્રમાં ભારતીય સેના ચીનના વિસ્તારોમાં ઘૂસીને પેટ્રોલિંગ કરી રહી છે. આ પ્રકારના પેટ્રોલિંગથી બંને દેશ વચ્ચેનો તણાવ ઓર વધી શકે છે.
આ દરમિયાન ભારતીય સેનાએ ચીનનો દાવો ફગાવતા કહ્યું હતું કે, ઊલટાનું ચીનના સૈનિકો વારંવાર ભારતના અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરે છે, જેને અમે ગંભીરતાથી લઇએ છીએ. આસફિલા ક્ષેત્ર અરુણાચલ પ્રદેશના સુબાનસિરી જિલ્લામાં આવેલું છે. ભારતીય સેનાના સૈનિકો ત્યાં વર્ષોથી પેટ્રોલિંગ કરે છે.
આ પેટ્રોલિંગને ચીનના સૈનિકો અચાનક જ ઘૂસણખોરી કહી રહ્યા છે, પરંતુ આ દાવાને અમે અત્યંત ગંભીરતાથી લઇએ છીએ. આસફિલામાં પેટ્રોલિંગનો ચીન દ્વારા કરાતો વિરોધ આઘાતજનક છે. આસફિલા સેક્ટરમાં ભારતીય સેનાએ ૨૧, ૨૨ અને ૨૩મી ડિસેમ્બરે ભારે પેટ્રોલિંગ કર્યું હતું, જેથી ચીન નારાજ થયું હતું. એ પછી સર્જાયેલા તણાવના કારણે જ બંને દેશોએ બોર્ડર પર્સોનલ મીટિંગ બોલાવી હતી.