નવી દિલ્હી : મહિલાઓ માટે મેટ્રો અને ડીટીસી બસમાં મફત સવારી અને મફત વિજળી બાદ હવે આમ આદમી પાર્ટીની સરકારે ચૂંટણીથી પહેલા લોકોને મફત ઇન્ટરનેટ પણ આપવા જઇ રહી છે. દિલ્હી સરકારે ગુરુવારના દિવસે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા જે હેઠળ સરકારે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૨૦૦૦ વધારાના સીસીટીસી લગાવવાની અને સમગ્ર દિલ્હીમાં ૧૧૦૦૦ હોટસ્પોટ લગાવવાની જાહેરાત કરી છે. દરેક યુઝરને દર મહિને ૧૫ જીબી ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, આગામી ત્રણ ચાર મહિનામાં લોકોને આ પ્રકારની સુવિધા મળવા લાગી જશે.
કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હાલમાં દિલ્હીમાં દરેક વિધાનસભામાં ૨૦૦૦ સીસીટીવી કેમેરા લગાવવા પર કામ ચાલી રહ્યું છે. જનતાની ભારે માંગ ઉપર સમગ્ર દિલ્હીમાં એક લાખ ૪૦ હજાર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે. આનો મતલબ એ થયો કે, દરેક વિધાનસભામાં ૨૦૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું છે કે, હજુ પણ અનેક બનાવો સપાટી ઉપર આવી રહ્યા છે. સીસીટીવીની મદદથી ચોર ટોળકી પકડાઈ રહી છે.
દિલ્હીની મહિલાઓને વધુને વધુ સુરક્ષિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ દિલ્હીમાં ફ્રી વાઈફાઈની પણ જાહેરાત કરી છે. સમગ્ર દિલ્હીમાં ૧૧૦૦૦ હોટસ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ફ્રી વાઈફાઈ આપવાને લઇને કામ શરૂ થઇ ચુક્યું છે. દરેક યુઝરને મહિને ૧૫ જીબી ડેટા આપવામાં આવશે. ૪૦૦૦ હોટસ્પોટ તમામ બસ સ્ટોપ ઉપર મુકવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અતિમહત્વની જાહેરાત કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.