અમદાવાદ : સામાન્ય રીતે લોકો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર કે ન્યુ યરની ઉજવણી લોકો પાર્ટી, ધમાલ-મસ્તી અને નાચ-ગાન સાથે ઝુમીને ખાણીપીણીની જયાફતો અને શરાબ-શબાબની મહેફિલ વચ્ચે કરતા હોય છે પરંતુ શહેરના ગોડ બ્લેસ ફાઉન્ડેશન દ્વારા નવા વર્ષની ઉજવણી કંઇક અનોખી રીતે એટલે કે, નિઃશુલ્ક બ્લડ ડોનેશન કેમ્પ યોજીને કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ સમાજ ભવન ખાતે તા.૩૧ ડિસેમ્બર સોમવારના રોજ શ્રી પ્રેમ આર. ગોસ્વામી દ્વારા ગોડ બ્લેસ ફાઉન્ડેશન અને આજ્ઞા ફાઉન્ડેશનના સહયોગથી નિઃશુલ્ક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
સમાજને અનોખી પ્રેરણા પૂરી પાડતાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના જાગૃત નાગરિકો ખાસ કરીને યંગસ્ટર્સ દ્વારા મોટી સંખ્યામાં રકતદાન કરાય તેવી શકયતા છે. નવા વર્ષની ઉજવણી જરૂરિયાતમંદોને રક્ત દાન કરીને કરવામાં આવે તેવો આ ફાઉન્ડેશનનો હેતુ છે અને આ કાર્યક્રમને રેડ ક્રોસનો સહયોગ પણ છે. આ કાર્યક્રમમાં જયેશ શર્મા, અશોક ઠાકોર, રાજેશ પરમાર, શિવ મટકલ, નીતિન દુબે, વિષ્ણુ ગુજર, દિપક ગિરી, શિવ ગિરી તથા માનભાઈ ઠાકુર વગેરે કો-ઓર્ડીનેટર્સ ઉપસ્થિત રહેશે અને પોતાની સેવા આપશે. આજે સમાજમાં લોકો ન્યુ યર પાર્ટી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી ડીજેના તાલ અને ડાન્સ પાર્ટી તેમ જ શરાબ-શબાબની મહેફિલ વચ્ચે કરવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે ત્યારે ગોડ બ્લેસ ફાઉન્ડેશનની આ રકતદાન મારફતે ન્યુ યરની ઉજવણીનો નવતર અભિગમ સમાજ માટે સાચે જ પ્રેરણારૂપ બની રહે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે, સમાજસેવા અને જરૂરિયાતમંદ કે પીડિત લોકોની વ્હારે સદાય તત્પર રહેતી સંસ્થા ગોડ બ્લેસ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વૃદ્ધાશ્રમમાં વૃધ્ધોની મુલાકાત અને તેમની સેવા, કેન્સરગ્રસ્ત બાળકોને મદદ, ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણી અને કુંડાની વ્યવસ્થા, ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય સહિતની અનેક સમાજસેવી પ્રવૃત્તિઓ અવિરતપણે હાથ ધરાય છે. સમાજને કંઇક આપવાનો અને સમાજને મદદરૂપ બનવાનો ઉમદા આશય સંસ્થાની પ્રવૃત્તિઓ મારફતે સાચા અર્થમાં ચરિતાર્થ કરાય છે.