અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં વિઝા હબ નામની ઓફીસ ખોલી વિદેશ જવા ઇચ્છુક લોકોને ટાર્ગેટ બનાવી કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી બે વ્યકિતઓ પાસેથી રૂ.૨૨ લાખ ઉઘરાવી એજન્ટ ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ સમગ્ર બનાવ અંગે નરોડા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે પોલીસે વિદેશ જવા ઇચ્છુક લોકોને ફસાવતી ટોળકીના સભ્યોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠા જિલ્લામાં રહેતા એક વ્યક્તિએ પોતાના દિકરાને વિદેશ મોકલવા માટે પોતાના સ્વજનને કહ્યું હતું. આથી તેમણે નરોડા વિસ્તારમાં ઓફીસ ધરાવતા વિઝા હબના સંચાલકનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ વિઝાહબના સંચાલકે તેને પોતાના રેકેટમાં ફસાવવાના ભાગરૂપે ભોળવ્યા હતા કે, અમે કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવીએ છીએ અને કેનેડામાં વ્યક્તિને વેઇટર તરીકેની જોબ અને રહેવા જમવાની સગવડ કરી આપવામાં આવશે. જેના માટે તેમણે ૧૧ લાખ રુપિયા આપવા પડશે. જેથી આ સંચાલકની વાતમાં આવીને વિઝા વાંચ્છુઓએ બે વ્યક્તિને કેનેડા મોકલવા માટે કહ્યું હતું. ત્યારબાદ ઠગ ટોળકીએ ભેગા મળીને આ વ્યક્તિઓને દિલ્હી જઇને પાસપોર્ટ અને ડોક્યુમેન્ટ સમબમિશન કરવું પડશે તેમ જણાવ્યું હતું. એટલું જ નહી, મોબાઇલના વોટ્સઅપ પર ટીકીટ મોકલી હતી. પરંતુ આ અંગેની ખરાઇ કરતા પાસપોર્ટ પર લાગેલા વિઝા નકલી હતા અને જોબ લેટર પણ નકલી હતો. જેને પગલે વિઝાવાંચ્છુઓને પોતાની સાથે રૂ.૨૨ લાખની છેતરપિંડી થઇ હોવાની જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા.
કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને રૂ.૨૨ લાખની ઠગાઇ અંગે આખરે તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નરોડા પોલીસે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી હતી. બીજીબાજુ, આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.