અમદાવાદઃ દિલ્હીમાં ફ્રોડ કોલ સેન્ટરનો પર્દાફાશ કરાયો છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા વ્યક્તિની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવતા આ કોલ સેન્ટર અંગેની માહિતી સપાટી ઉપર આવી છે. દિલ્હીથી આ કોલસેન્ટર ચાલી રહ્યું હતું. એક કરોડના મુદ્દામાલ સાથે સાયબર સેલે નવ લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદ સાયબર સેલના અધિકારીઓની આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે. બોગસ કોલ સેન્ટર કઇરીતે ચાલતું હતું તે અંગે માહિતી આપતા સુત્રોએ કહ્યું છે કે, દિલ્હીથી લોકોને ફોન કરીને આપને કાર લાગી છે તેમ કહીને આના માટે ફી વસુલ કરતા હતા. ઉપરાંત દિલ્હીથી બોલુ છું અને ઓનલાઈન વસ્તુઓ આપીએ છીએ જેમાં તમને સૌથી વધુ વપરાશ કરો છે તેમ કહીને ઇનામમાં કાર અને આઈફોન લાગ્યા છે. ચોક્કસ રકમ ભરવી પડશે તેમ કહીને છેતરપિંડી કરવામાં આવતી હતી.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા કશ્યપભાઈ નામની વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે, તેમને પહેલા લક્ષ્મીજીની મૂર્તિ અને પાવર બેંક ઓનલાઈન મોકલ્યા હતા ત્યારબાદ તમને કાર લાગી છે તેવું કહીને તેમની પાસેથી ફી વસુલી હતી. ત્યારબાદ કોઇએ નંબર પર ફોન ઉપાડ્યા ન હતા. કોઇ જવાબ પણ આવી રહ્યા ન હતા. સાયબર સેલના અધિકારીએ આ મામલામાં ઉંડી તપાસ કરતા આખરે સફળતા હાથ લાગી છે. તાજેતરના સમયમાં આ પ્રકારના અનેક કોલ સેન્ટરોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
બેંકો દ્વારા પણ વારંવાર લોકોને કહેવામાં આવે છે કે, સાવધાન રહેવાની જરૂર છે. બેંક અંગેની કોઇપણ માહિતી કોઇને આપવી નહીં. બેંક ક્યારે પણ કોઇપણ પ્રકારની માહિતી કસ્ટમરો પાસેથી માંગતી નથી પરંતુ બોગસ કોલ સેન્ટરો સક્રિય થઇને લોકો પાસેથી જંગી નાણાની ઉચાપત કરતા હોય છે.