FPI દ્વારા ઈક્વિટી માર્કેટમાં ૧૮૦૦ કરોડ રૂપિયા રોકાયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈઃ વિદેશી મૂડીરોકાણકારોએ જુલાઈ મહિનામાં હજુ સુધી ભારતીય ઈક્વિટી માર્કેટમાં ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. અગાઉના મહિનામાં જંગી નાણાં પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ જુલાઈ મહિનામાં ઉલ્લેખનિય મૂડી પ્રવાહ જોવા મળ્યો છે.

મૂડીરોકાણકારોએ એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન શેરબજારમાંથી ૨૦,૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નવેસરના આંકડા દર્શાવે છે કે વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા બીજીથી ૨૭મી જુલાઈ દરમિયાન ઈક્વીટીમાં ૧૮૪૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જ્યારે સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૪૮૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

આ વર્ષે હજુ સુધી એફટીઆઈ દ્વારા ઈક્વીટીમાંથી ૪૬૦૦ કરોડ  રૂપિયા પાછા ખેંચવામાં આવી ચુક્યા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૪૨૦૦૦ કરોડ રૂપિય પાછા ખેંચવામાં આવી ચુક્યા છે. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૧ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.

અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થઈ ચુક્યો છે. રૂપિયો પહેલાથી જ આ જાન્યુઆરી મહિના બાદથી આઠ ટકા સુધી ઘટી ચુક્યો છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, રિટેલ ફુગાવામાં અવિરત વધારો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શક્તિઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે. આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી.

વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે. તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્ય રીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે. રોકાણ કરતા પહેલા વૈશ્વિ ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. યુએસ ફેડરલ દ્વારા પણ વ્યાજદરમાં વધારો કરવાના સંકેત આપી દેવામાં આવ્યા છે.

અમેરિકામાં કઠોર પોલિસીના કારણે પણ ભારત ઉપર અસર થઇ રહી છે. મોર્નિંગ સ્ટારમાં મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવનું કહેવું છે કે ક્રુડ ઓઈલની કિંમતો, ફુગાવાને લઈને અફડાતફડી જેવા પરીબળોની અસર પણ જોવા મળી શકે છે. વૈશ્વિક ટ્રેડ વોરને લઈને જે અસર દેખાઈ રહી છે તે હેઠળ પણ વિદેશી મૂડી રોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. કેટલાક ભૌગોલિક પરીબળો પણ જવાબદાર છે.

Share This Article