મુંબઈઃવિદેશી મૂડીરોકાણકારોએ સપ્ટેમ્બર મહિનામાં મૂડી માર્કેટમાંથી ૨૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ છેલ્લા ચાર મહિનાના ગાળામાં સૌથી જંગી નાણા પરત ખેંચવામાં આવ્યા છે. વૈશ્વિક વેપાર કટોકટી અને વર્તમાન ખાતાકીય ખાધમાં વધારા વચ્ચે જંગી નાણાં પરત ખેચવામાં આવ્યા છે.
એફપીઆઈ દ્વારા ચાર મહિનામાં સૌથી જંગી નાણાં પરત લેવામાં આવ્યા છે. જુલાઈ મહિનામાં ૨૩૦૦ કરોડ અને છેલ્લા મહિનામાં ઇકેવિટી અને ડેબ્ટને મળીને ૫૨૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા બાદ જંગી નાણા પરત ખેંચવામાં આવ્યા છે. તે પહેલાવિદેશી રોકાણકારોએ એપ્રિલ-જૂન દરમિયાન ૬૧૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નવેસરના ડિપોઝિટરી આંકડા મુજબ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ઇક્વિટીમાંથી ૧૦૮૨૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૧૦૧૯૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આની સાથે જ વિદેશી રોકાણકારોએ કુલ સપ્ટેમ્બર મહિનામાં ૨૧૦૨૩ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે.
મે મહિના બાદથી સૌથી જંગી નાણા પાછા ખેંચવામાં આવ્યા છે. મે મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૯૭૭૫ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. એફપીઆઈએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં ક્યારેય સંપૂર્ણપણે વાપસી કરી નથી. જૂન ૨૦૧૮ના અંતમાં ત્રિમાસિક ગાળા દરમિયાન ૬૧૦૦૦ કરોડ રૂપિયાની નેટ સંપત્તિ પાછી ખેંચી લેવામાં આવી હતી. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ૭૫૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા પરંતુ ભૂતકાળમાં જે સ્થિતિ રહી હતી તેની સરખામણીમાં જે નાણાં ઠાલવવામાં આવ્યા તેનો આંકડો ઓછો રહ્યો છે.
ભારતીય ઇક્વિટી માર્કેટમાં હાલની સ્થિતિને લઇને અનિશ્ચિતતા પણ દેખાઈ છે જેની અસર એફપીઆઈ ઉપર જાવા મળી છે. વૈશ્વિક વેપાર કટોકટી સપ્ટેમ્બર મહિનામાં જોવા મળી છે. બીજી બાજુ સરકારે ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવા માટે જે પગલા લીધા છે તેને લઇને પણ સંતોષની સ્થિતિ દેખાઈ રહી નથી. જીએસટી વસુલાતનો આંકડો અપેક્ષા કરતા ઓછો રહ્યો છે. આ તમામ પરિબળોની અસર જોવા મળી છે. આ વર્ષે હજુ સુધી એફપીઆઈ દ્વારા ઇક્વિટીમાંથી ૧૩૦૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૪૮૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
એફપીઆઈ દ્વારા વૈશ્વિક સ્થિતિ ઉપરાંત અન્ય જાખમી પરિબળો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારત જેવા ઉભરતા માર્કેટને લઇને રોકાણકારો સાવચેતીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, અમેરિકા અને ચીન વચ્ચે જે વેપાર કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે તે પણ ચિંતા ઉપજાવે છે. ઉપરાંત ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટને પહોંચી વળવામાં સરકાર સફળ થશે નહીં તેમ પણ કેટલાક લોકો માને છે.