મુંબઈ: વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૫૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવી દીધા બાદ ફરીવાર નાણા પરત ખેંચવામાં આવ્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં અવિરત થઇ રહેલા વધારા અને ડોલર સામે રૂપિયામાં થઇ રહેલા ઘટાડા વચ્ચે આ સ્થિતિ સર્જાયેલી છે. વિદેશી મૂડીરોકાણકારો હાલમાં ભારે આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા નથી.
આ વર્ષે હજુ સુધીમાં એફપીઆઈ દ્વારા ઇકવીટીમાંથી ૩૪૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૪૨૬૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. એફપીઆઈનું મુખ્ય ધ્યાન લાંબાગાળાની અસ્થિરતા ઉપર કેન્દ્રિત થયું છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, ત્રીજીથી સાતમી સપ્ટેમ્બર વચ્ચેના ગાળા દરમિયાન ઇકવીટીમાંથી ૧૦૨૧ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૪૬૨૮ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા.
આની સાથે જ પરત ખેંચવામાં આવેલા નાણાનો આંકડો વધીને ૫૬૪૯ કરોડ સુધી પહોંચી ગયો છે. માર્કેટ સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે, રૂપિયામાં ઘટાડાનો દોર અવિરત જારી રહ્યો છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં સ્થિર વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એફપીઆઈના સંદર્ભમાં જારી કરવામાં આવેલા સરક્યુલરને લઇને પણ ચિંતા રહી છે. વૈશ્વિક માર્કેટમાંથી મંદીની સ્થિતિ રહેલી છે.
ફોરેન ઇન્વેસ્ટર લોબી ગ્રુપ દ્વારા ગયા સપ્તાહમાં જ કહેવામાં આવ્યું હતું કે, તે સેબી દ્વારા કેવાયસી અને બેનિફિશિયલ માલિકીના સંદર્ભમાં સૂચિત ધારાધોરણને અમલી કરવામાં આવશે તો વિદેશી મૂડીરોકાણકારો ૭૫ અબજ ડોલર સુધીની રકમ પાછી ખેંચી લેશે. જાણકાર લોકોનું કહેવું છે. અનિશ્ચિતતા અને સાવધાનીપૂર્વકનું વલણ વિદેશી રોકાણકારોમાં જાવા મળી રહ્યું છે. એપ્રિલ-જૂનના ગાળા દરમિયાન વિદેશી મૂડીરોકાણકારોએ અભૂતપૂર્વ નાણા પાછા ખેંચી લીધા હતા પરંતુ ત્યારબાદથી બજારમાં પ્રવાહી સ્થિતિ રહી છે. ડોલર સામે રૂપિયો ખુબ ઝપડથી ગગડી રહ્યો છે. રૂપિયાના થઇ રહેલા અવમુલ્યન વચ્ચે વિદેશી મૂડીરોકાણકારો પણ ઉતાવળમાં કોઇ પગલા લેવા માંગતા નથી.
છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ભારતીય મૂડી માર્કેટમાંથી વિદેશી રોકાણકારો ૫૬૦૦ કરોડથી વધુ નાણા પાછા ખેંચી ચુક્યા છે જે સાબિત કરે છે કે, હાલમાં સ્થિતિ સુધારાવાળી દેખાઈ રહી નથી. માર્કેટ રેગ્યુલેટર સેબીના પગલાની દહેશત પણ તોળાઈ રહી છે. છેલ્લા બે મહિનામાં જંગી નાણા ઠાલવી દેવામાં આવ્યા બાદ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં રોકાણકારોએ ફરીથી જંગી નાણા ફાછા ખેંચ્યા છે. વિદેશી મૂડીરોકાણકારો સામે અન્ય કેટલાક પરિબળો પણ રહેલા છે જે પૈકી ભારતમાં સ્થિર વેપારી માહોલનો પણ સમાવેશ થાય છે. હાલમાં સરકાર દ્વારા સુધારાની દિશામાં કેટલાક સાહસી પગલા લીધા બાદ તેને લઇને પણ કેટલાક સમુદાયમાં નારાજગી છે