FPI  દ્વારા પાંચ જ સેશનમાં ૮,૬૩૪ કરોડનું રોકાણ થયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ : વિદેશી મૂડીરોકાણકારોએ છેલ્લા પાંચ કારોબારી સેશનમાં એપ્રિલમાં ૮૬૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શેરબજારમાં હકારાત્મક સ્થિતિ આને માટે જવાબદાર છે. માર્ચ મહિનામાં વિદેશી રોકાણકારોએ ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. ૨૦૧૮-૧૯ના નાણાંકીય વર્ષમાં રોકાણકારોએ ૪૪૫૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં એફપીઆઈએ શેરમાં ૨૫૬૩૪ કરોડ અને બોન્ડ માર્કેટમાં ૧૧૯૦૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આની સાથે જ કુલ રોકાણ ૧૪૪૬૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. ૨૦૧૬-૧૭માં ૪૮૪૧૧ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪૪૬૮૨ કરોડ રૂપિયા એફપીઆઈથી મળ્યા હતા. અમેરિકી ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરવામાં આવ્યા બાદ તેના કારણે પણ એફપીઆઈ ભારત તરફ આકર્ષિત થઈ રહ્યું છે. ક્રુડ ઓઈલની કિંમતો સ્થિર રહી છે.

જેની અસર પણ વિદેશી મૂડીરોકાણકારોના મૂડી પ્રવાહ ઉપર થઈ છે. આ વર્ષની ધીમિ ગતીએ શરૂઆત થયા બાદથી એફપીઆઈમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ બજારમાં તેજી રહી શકે છે. જાન્યુઆરી મહિનામાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. તેમના અર્થતંત્ર માટે ચીન અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. દેશના માઈક્રો આઉટલુકમાં સ્થિતિ સુધરી રહી છે. સ્થિર સરકાર ચુંટણી બાદ રચાય તેવી આશા પણ દેખાઈ રહી છે.

જાણકાર લોકોનું કહેવું છે કે, ભારતમાં લોકસભા માટેની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ જુદા જુદા સર્વેમાં એનડીએની વાપસીના સંકેત મળી રહ્યા છે ત્યારે એફપીઆઈ રોકાણકારો દેશમાં રોકાણ કરવા વધારે આશાવાદી દેખાઈ રહ્યા છે. કેટલાક સ્થાનિક પરિબળો પણ ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે પરંતુ એકંદરે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદ માહોલમાં સુધારો થઇ રહ્યો છે.  જાણકાર લોકોનું કહેવું છે કે, સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ રોકાણકારો ફરીવાર નાણાં રોકવા માટે આગળ આવશે.  વિદેશી રોકાણકારોએ પહેલીથી પાંચમી એપ્રિલ દરમિયાન ઇક્વિટીમાં ૮૯૮૯.૦૮ કરોડ રૂપિયા ઠાલવ્યા છે જ્યારે ડેબ્ટમાંથી ૩૫૫.૨૭ કરોડ પાછા ખેંચ્યા છે. આની સાથે જ રોકાણનો આંકડો ૮૬૩૪ કરોડ રહ્યો છે. વિદેશી રોકાણકારો બજારને લઇને આશાવાદી દેખાઈ રહ્યા છે.

Share This Article