મુંબઈ : વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં હજુ સુધી મૂડી માર્કેટમાંથી ચાર હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. એફપીઆઈ દ્વારા સાવચેતીપૂર્વકનું વલણ અપનાવવામાં આવ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિના દરમિયાન વિદેશી મૂડીરોકાણકારો દ્વારા મૂડી માર્કેટ અથવા તો ઈક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ ઠાલવી દીધી હતી. તે પહેલા ઓકટોબર મહિનામાં ૩૮૯૦૫ કરોડ રૂપિય પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈએ પહેલીથી ૧૮મી જાન્યુઆરી દરમિયાન ઈક્વિટીમાંથી ૩૯૮૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે ડેબ્ટ માર્કેટમાંથી ૫૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. મૂડી માર્કેટમાંથી કુલ ૪૦૪૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા છે.
જાણકાર લોકોનું કહેવું છે કે, શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ જાવા મળી રહી છે જેના લીધે કારોબારી સેશનમાં વિદેશી રોકાણકારો સાવચેતીપૂર્વકનુ વલણ અપનાવી રહ્યા છે. એફપીઆઈ દ્વારા સતત નાણાં ઠાલવામાં આવ્યા બાદ હવે ઇક્વિટી માર્કેટમાંથી નવ સેશનમાં જંગી નાણાં પરત ખેંચાયા હતા. ફોરેન પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા વર્ષ ૨૦૧૮માં ભારતીય બજારમાંથી ૮૩૧૪૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જેમાં ઇક્વિટીમાંથી ૩૩૫૫૩ કરોડ અને ડેબ્ટ બજારમાંથી ૪૯૫૯૩ કરોડનો સમાવેશ થાય છે. ૨૦૦૨ બાદથી વિદેશી મૂડી રોકાણની દ્રષ્ટિએ ભારતીય મૂડી માર્કેટ માટે આ સૌથી નિરાશાજનક વર્ષ રહ્યું છે.
જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ અડચણરુપ રહ્યો છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં રિકવરી બાદ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી.