FPI દ્વારા ઓગસ્ટમાં જ કુલ ૫,૧૦૦ કરોડ ઠાલવી દેવાયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ: વિદેશી મૂડીરોકાણકારોએ દેશના મૂડી માર્કેટમાં ઓગસ્ટ મહિનામાં ૫૧૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. સતત બીજા મહિનામાં જંગી નાણા ઠાલવવામાં આવ્યા છે. મિડ અને સ્મોલકેપમાં પણ જંગી નાણા ઠાલવવામાં આવ્યા છે. માઇક્રો મોરચે સ્થિતિમાં સુધારો, કોર્પોરેટ કમાણીના સારા આંકડાના લીધે પણ સ્થિતિ સુધરી છે. ઓગસ્ટ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારોએ મૂડી માર્કેટમાં ૫૧૮૯ કરોડ રૂપિયા ઠાલવ્યા છે જે પૈકી ઇક્વિટીમાં ૧૭૭૫ કરોડ અને ડેબ્ટમાં ૩૪૧૪ કરોડ રૂપિયા ઠાલવ્યા છે. આ વર્ષે હજુ સુધી વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાંથી ૨૪૦૦ કરોડ રૂપિયા અને ડેબ્ટ માર્કેટમાંથી ૩૮૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અલબત્ત મૂડીરોકાણકારો સ્થિતિને ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યા છે. એપ્રિલથી જૂન દરમિયાન જંગી નાણાં પાછા ખેંચાયા બાદ જુલાઈથી ઓગસ્ટ દરમિયાન જંગી નાણાં ઠલવાયા છે.

ઇક્વિટી અને ડેબ્ટ બંનેમાં છેલ્લા મહિનામાં ૨૩૦૦ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ જંગી નાણા પાછા ખેંચ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ મૂડી માર્કેટમાંથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૬૧૦૦૦ કરોડથી વધુની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. એપ્રિલ-જૂનના ત્રણ મહિનાના ગાળા દરમિયાન મૂડી માર્કેટમાંથી જંગી રકમ પાછી ખેંચવામાં આવી હતી. તે પહેલા વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચ મહિનામાં ૨૬૬૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા.  અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ વર્ષે જાન્યુઆરી મહિનાના અંતમાં ડોલર સામે રૂપિયામાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થઈ ચુક્યો છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો, ડોલર સામે રૂપિયામાં પડતી, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેત તથા વૈશ્વિક શક્તિઓ વચ્ચે ગ્લોબલ ટ્રેડવોરને લઇને દહેશત પ્રવર્તી રહી છે.

આ તમામ કારણોસર વિદેશી મૂડીરોકાણકારો નાણા પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને રોકાણ કરવા માટે ઇચ્છુક નથી. વિદેશી મૂડીરોકાણકારોની પ્રવૃત્તિ ઉપર શેરબજાર અને અન્યોની પણ નજર રહે છે. તાજેતરના સમયમાં ફુગાવામાં વધારો થવાની દહેશત મુખ્ય રીતે જવાબદાર રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરને લઇને પણ વૈશ્વિક સંસ્થાકીય મૂડીરોકાણકારો પરેશાન થયેલા છે. રોકાણ કરતા પહેલા વૈશ્વિક ટ્રેડવોરની સ્થિતિ હળવી બને તેવી અપેક્ષા આ લોકો રાખી રહ્યા છે. વિદેશી મૂડીરોકાણકારોએ જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લીધા છે. ઉભરતા માર્કેટમાં ભારતે સ્થિરતા દર્શાવી છે. આઈએમએફની આગાહી મુજબ ભારતનું આર્થિક આઉટલુટ જારદાર રીતે સુધરી રહ્યું છે. જાણકાર લોકોનું કહેવું છે કે, એફપીઆઈનું ધ્યાન હવે લાંબાગાળા ઉપર કેન્દ્રિત થયું છે. ઉભરતા માર્કેટમાં ભારતે સ્થિરતાના સંકેતો આપ્યા છે. રોકાણકારો આકર્ષિત થયા છે.

Share This Article